ધ્રુવ પર્વના પ્રથમ દિવસે શાસ્ત્રીય સંગીત, હવેલી સંગીત અને ધ્રુવ કલા સન્માનની ગૌરવપૂર્ણ ક્ષણો
ગાંધીનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રણ દિવસીય આઠમા ઉદ્ગમ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ધ્રુવ પર્વ’ના પ્રથમ દિવસે શાસ્ત્રીય સંગીત, પખાવજ વાદન, હવેલી સંગીત તથા કલા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર કલાકારોના સન્માનની ગૌરવપૂર્ણ ક્
ધ્રુવ પર્વના પ્રથમ દિવસ


ધ્રુવ પર્વના પ્રથમ દિવસ


ધ્રુવ પર્વના પ્રથમ દિવસ


ગાંધીનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રણ દિવસીય આઠમા ઉદ્ગમ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ધ્રુવ પર્વ’ના પ્રથમ દિવસે શાસ્ત્રીય સંગીત, પખાવજ વાદન, હવેલી સંગીત તથા કલા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર કલાકારોના સન્માનની ગૌરવપૂર્ણ ક્ષણો જોવા મળી. સ્વર, લય અને ભક્તિના વિવિધ રંગોથી રંગાયેલા પ્રથમ દિવસે સંગીતરસિકોએ ભારતીય સંગીતની સમૃદ્ધ પરંપરાનો રસાસ્વાદ કર્યો.

‘ધ્રુવ પર્વ’ના પ્રથમ દિવસે ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલા અને સંગીત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ ‘ધ્રુવ કલા સન્માન’ એનાયત કરવામાં આવ્યું.

આ વર્ષનું ‘ધ્રુવ કલા સન્માન’ સુગમ સંગીત ક્ષેત્રે યોગદાન બદલ નયનભાઈ પંચોલીને એનાયત કરવામાં આવ્યું. સુગમ સંગીતના ક્ષેત્રમાં તેમની કલાસાધના અને પ્રદાનની કદરરૂપે તેમને આ સન્માનથી નવાજવામાં આવ્યા.

આ ઉપરાંત ગાંધીનગરના ડૉ. પ્રણવ પંડ્યાને પણ ‘ધ્રુવ કલા સન્માન’થી સન્માનિત કરવામાં આવ્યા. કલા અને સંગીતપ્રત્યેની તેમની સેવાઓ અને યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને આ ગૌરવ આપવામાં આવ્યું.

‘ધ્રુવ કલા સન્માન’ દ્વારા ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટે સંગીત અને કલાના ક્ષેત્રમાં સતત સાધના તથા યોગદાન આપતી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી છે. સન્માનની આ ક્ષણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માટે વિશેષ ગૌરવની બની રહી.

પ્રથમ દિવસની શરૂઆત શાશ્વતી ભટ્ટાચાર્યના શાસ્ત્રીય ગાયનથી થઈ. તેમણે રાગ પુરીયા કલ્યાણમાં વિલંબિત ઝુમરા તાલમાં અને ત્યારબાદ તીનતાલમાં ‘નવા લાગી લગન પિયરવા’ની સુંદર રજૂઆત કરી. ત્યારબાદ ગીતગોવિંદમાંથી લેવામાં આવેલી અષ્ટપદી ‘શીત કમલા ધૃત કુંડલ રે’ને ભાવસભર રીતે રજૂ કરી. તેમની સાથે બિમલ ભટ્ટાચાર્યએ તબલા પર તથા પ્રિયાંશ રાજપૂતે હાર્મોનિયમ પર અસરકારક સંગત કરી.

દિવસની બીજી પ્રસ્તુતિ પુરુષોત્તમ રાયજીની પખાવજ વાદનની રહી. તેમણે ચૌતાલમાં વિલંબિત પ્રસ્તુતિથી શરૂઆત કરી અને ત્યારબાદ આદિ તાલમાં વિવિધ પરન, ટુકડા, તિહાઈ અને લયકારીનું સુંદર નિદર્શન કરાવ્યું.

ગણેશ સ્તુતિ ‘પરમ દંતાવલી દુંગાવલી’ સાથે ચક્કરદાર તાલપરણ, ટુકડા, ગિનતીહારી અને દ્રુપદના ઝાલા સહિતની રચનાઓ રજૂ કરી. તેમની પ્રસ્તુતિએ પખાવજની પરંપરાગત લયકારી અને તાળશાસ્ત્રની સમૃદ્ધિનો પરિચય સંગીતરસિકોને કરાવ્યો.

પ્રથમ દિવસની અંતિમ અને વિશિષ્ટ પ્રસ્તુતિ ગોસ્વામી જીગીશા બેટીજી દ્વારા કરવામાં આવી. તેમની સાથે તેમની બંને દીકરીઓ કુમારી કૃષ્ણરૂપ અને યમુનાજીએ સંગતમાં સહભાગિતા કરી.

જીગીશા બેટીજીએ જગદ્ગુરુ વલ્લભાચાર્યની ભક્તિ પરંપરાને આધાર બનાવી અષ્ટછાપના ભગવદીય કવિઓનાં કીર્તનો રજૂ કર્યા. તેમની પ્રસ્તુતિની વિશેષતા એ રહી કે તેમણે દરેક કીર્તનના રાગ, પ્રહર, ઋતુ અને હવેલીમાં તેના ગાનના પ્રસંગને સમજાવીને રજૂ કર્યો.

પ્રાતઃકાળની ભાવનાને વ્યક્ત કરતું રાગ ભૈરવમાં ગુરુવંદનાનું પદ ‘પ્રાતઃ સમયથી લગાવીને ઉઠી કરીએ’, ત્યારબાદ રાગ બિલાવલમાં ‘યશોદા તેરે ભાગ્ય કી કહી ન જાય’ રજૂ કરવામાં આવ્યું. ગ્રીષ્મ ઋતુના કુંજ-નિકુંજના વિહારભાવને રજૂ કરતું ‘બેઠે હરિ રાધા સંગ’.પણ ભાવપૂર્વક ગવાયું.

આગળ રાગ છાયાનટમાં ગોવિંદ સ્વામીનું ભોગ સમયે ગવાતું પદ ‘પ્રીતમ પ્રીત હી તે કહીએ’ રજૂ થયું. નિત્ય મહાત્મ્ય સાથે જોડાયેલું પરમાનંદનું પદ ‘સબહી અંગ કો વાંકો ગિરધર’ રાગ હમીરમાં રજૂ કરવામાં આવ્યું.

ત્યારબાદ રાગ અડાણામાં કૃષ્ણદાસજીનું પદ ‘મંડલ મધ્ય રંગ ભરે, શ્યામ શ્યામ નાચેરી’ રજૂ થયું. અંતે આશ્રય અને ગુરુચરણની ભાવનાને વ્યક્ત કરતું પદ ‘કેરો ભરોસો’ રજૂ કરીને જીગીશા બેટીજીએ પોતાની પ્રસ્તુતિ પૂર્ણ કરી.

આ સમગ્ર પ્રસ્તુતિ દરમિયાન દ્રુપદ, ખ્યાલ, કીર્તન અને ભજનની ગાયન શૈલીઓ સાથે પખાવજ, સારંગી, તબલા અને હાર્મોનિયમ જેવા વાદ્યોનો હવેલી સંગીતમાં થતો ઉપયોગ.પણ જીવંત રીતે રજૂ થયો. જેના કારણે શ્રોતાઓને ભારતીય સંગીતની વિવિધ પરંપરાઓને નજીકથી સમજવાનો અને માણવાનો અવસર મળ્યો.

આમ, ‘ધ્રુવ પર્વ’નો પ્રથમ દિવસ સંગીત અને લાના વિવિધ આયામોને ઉજાગર કરતો રહ્યો. એક તરફ પ્રતિષ્ઠિત કલાકારોની કલાસાધનાની પ્રસ્તુતિ થઈ તો બીજી તરફ ‘ધ્રુવ કલા સન્માન’ દ્વારા કલા ક્ષેત્રે યોગદાન આપનાર પ્રતિભાઓનું ગૌરવ વધારવામાં આવ્યું.

સ્વર, લય અને ભક્તિના આ ભાવસભર પ્રથમ દિવસના અંતે સંગીતપ્રેમીઓએ આગામી દિવસની પ્રસ્તુતિઓ માટે ઉત્સુકતા સાથે વિદાય લીધી. સંગીતના નવા સ્વરો, નવી રચનાઓ અને નવા રંગો સાથે ‘ધ્રુવ પર્વ’ના બીજા દિવસે ફરી મળવાની અપેક્ષા સાથે પ્રથમ દિવસની સંગીતયાત્રા પૂર્ણ થઈ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande