
પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.)સાંતલપુર તાલુકાના સીધાડા બ્રિજ પર 26 સપ્ટેમ્બર 2026ના રોજ વહેલી સવારે 3:51 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાવરડા ગામના આહિર મોમાયાભાઈ ભાચાભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં સાંતલપુર 108 એમ્બ્યુલન્સના પાયલોટ પ્રદ્યુમનસિંહ ઉર્ફે ભારતસિંહ અને EMT મહેશભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બંનેએ ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વારાહી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા.
હોસ્પિટલ પહોંચ્યા બાદ મોમાયાભાઈના ખિસ્સામાંથી એક પાકીટ અને મોબાઈલ મળી આવ્યા હતા. પાકીટમાં ₹19,460 રોકડ ઉપરાંત આધાર કાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજો હતા. 108ના કર્મચારીઓએ આ તમામ સામાન પોતાની પાસે રાખવાને બદલે ઈમાનદારી દાખવી વારાહી સરકારી હોસ્પિટલના ડોક્ટરને સોંપ્યો હતો. તેમજ દર્દીના સગા-સંબંધીઓ હોસ્પિટલમાં આવે ત્યારે સામાન પરત આપવા માટે જણાવ્યું હતું.
અકસ્મત સમયે મોમાયાભાઈ સાથે કોઈ સગા હાજર ન હોવાથી ધોકાવાડા ગામના રૈયાબેન પણ મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે માનવતાની ભાવના સાથે સગા-સંબંધીઓ આવે ત્યાં સુધી હોસ્પિટલમાં રોકાઈ દર્દીની મદદ કરી હતી. 108 કર્મચારીઓની ઈમાનદારી અને રૈયાબેનની માનવતાભરી મદદની આ ઘટના સરાહનીય બની છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ