
પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ નજીક પાલડી ગામે આવેલા જાળેશ્વર મહાદેવ મંદિરે ભાદરવી પૂનમ નિમિત્તે લોકમેળો યોજાયો હતો. મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ચગડોળ, ખાણી-પીણી સહિતના મનોરંજનના વિવિધ સાધનો મેળાનું આકર્ષણ બન્યા હતા.
મંદિર પરિસરમાં શુક્રવારે રાત્રે 12 વાગ્યે પાટણના ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા પરંપરાગત ભવાઈ વેશની શરૂઆત કરવામાં આવી હતી. ચૌદશની આખી રાતથી પૂનમની બપોર સુધી કલાકારોએ જુઠણ, રંગલો અને કાળકા સહિતના વિવિધ વેશ ભજવ્યા હતા. સવારે ભુંગળા અને વાજિંત્રોની સંગત વચ્ચે ભવાઈની પ્રસ્તુતિ થઈ હતી.
ભવાઈ વેશનું સમાપન રામ-રાવણના યુદ્ધ સાથે થયું હતું, જેમાં કલાકારોએ રામ, રાવણ, સીતા અને હનુમાન જેવા રામાયણના પાત્રો ભજવ્યા હતા. ત્યારબાદ જાળેશ્વર દાદાની આરતી-પૂજા કરવામાં આવી. બાદમાં ઢોલ સાથે જળ ઝીલણાની પાલખી યાત્રા ગામની પરિક્રમા માટે નીકળી હતી અને ભગવાનને તળાવમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ