કોડિનાર તાલુકાના કંટાળા ખાતે 77મો તાલુકાકક્ષાનો વનમહોત્સવ યોજાયો
ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કોડિનાર તાલુકાના કંટાળા ખાતે ૭૭મો તાલુકાકક્ષાનો વનમહોત્સવ યોજાયો હતો. ''વૃક્ષ વાવો, જીવન બચાવો'' ના સંદેશ આપતા શિક્ષણમંત્રીશ્રીએ જણ
કોડિનાર  તાલુકાના કંટાળા ખાતે


ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કોડિનાર તાલુકાના કંટાળા ખાતે ૭૭મો તાલુકાકક્ષાનો વનમહોત્સવ યોજાયો હતો.

'વૃક્ષ વાવો, જીવન બચાવો' ના સંદેશ આપતા શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જેમ બાળકનો ઉછેર સારા સંસ્કાર સાથે કરવામાં આવે છે, એવી જ રીતે વૃક્ષનો ઉછેર સિંચન અને યોગ્ય માવજત કરી કરવો જોઈએ. પ્રકૃતિ એ મનુષ્યના જીવનનું અભિન્ન અંગ છે. નદી, ધરતી, ગાયને આપણે માતા તરીકે સ્થાન આપ્યું છે, તો વૃક્ષમાં પણ આપણે દેવત્વને મૂક્યું છે.

'જીવમાં શિવ અને છોડમાં રણછોડ' એ આપણી વિચારધારા છે. પ્રકૃતિમાં પણ જીવ છે અને છોડમાં પણ ભગવાન છે એવો વિચાર આપણી પુરાતન સંસ્કૃતિ આપણને આપે છે. પ્રકૃતિમાં પણ પરમાત્માના દર્શન કરવા એ આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ આપણને વન-વૃક્ષોની જાળવણી અને સારસંભાળ રાખવાનું શીખવે છે.

જીવમાત્રનો આધાર ઓક્સિજન પર નિર્ભર છે. આ ઓક્સિજનને લેબોરેટરીમાં બનાવી શકાતો નથી. આ બનાવવાનું એકમાત્ર સાધન કે લેબોરેટરી એ વૃક્ષ છે. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે અને ઓક્સિજન આપણા જીવન માટે અગત્યનું છે. તેથી જ તેને પ્રાણવાયુ કહેવામાં આવે છે.

તેમણે વૃક્ષની મહત્તા વર્ણવતા જણાવ્યું હતું કે, વૃક્ષ ફળ-ફૂલ, છાંયડો અને તેના મૃત્યુ બાદ લાકડારુપે પણ માનવજીવનને ઉપયોગી છે. વૃક્ષમાંથી આપણે પરોપકારની ભાવના શીખવી જોઈએ. પોતે કષ્ટો સહન કરીને બીજાને શાતા આપવી એવું વૃક્ષ આપણને શીખવે છે. આપણા જીવનમાં પણ આપણે બીજાને ઉપયોગી બની શકીએ તેવી ભાવના કેળવવી જોઈએ એ આજના સમયની નિતાંત આવશ્યકતા છે. તેવું તેમણે ઉદાહરણો સાથે સમજાવ્યું હતું.

પ્રકૃતિની અસમતુલા વિશે જણાવતા મંત્રીએ કહ્યું કે, આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટી સમસ્યા છે. ત્સુનામી, ગ્લેશિયર પીગળવાના કારણે થતી દુર્ઘટના, મસમોટા ધરતીકંપ, તાપમાનમાં વધારો વગેરે આપદાઓ માનવીએ કુદરત સાથે કરેલી છેડછાડનું જ પરિણામ છે. આવી કુદરતી આપદાઓ સામે બચવાનો એકમાત્ર ઉપાય પ્રકૃતિનું સંરક્ષણ છે.

જો પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવે તો જ કુદરતી આપદાઓને ખાળી શકાય છે. આમ કહી મંત્રીએ વધુમાં વધુ વૃક્ષ વાવી તેનું જતન કરવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

મંત્રીએ લીલી ઝંડી આપી 'ઓક્સિજન રથ'ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ‘ઓક્સીજન રથ’ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરીને સિતાફળ, જામફળ સહિત ફળાઉ વૃક્ષોના રોપ વિતરણ કરશે.

મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.એમ.પંપાણિયાએ અને આભારવિધિ વનવિભાગના ગોપાલભાઈ રાઠોડે કરી હતી.

વનમહોત્સવ નિમિત્તે 'એક પેડ મા કે નામ ૩.૦' અંતર્ગત શાળા પરિસરમાં મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબહેન બાંભણિયા, જિલ્લા પંચાયતના દંડક દર્પિત ડોડિયા, કોડિનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, સરપંચ કનુભાઈ રામ, અગ્રણી ભગુભાઈ પરમાર, જીતુભાઈ બારડ, કોડિનારના મામલતદાર એચ.કે.ભાસ્કર, અધિકારીઓ-કર્મચારીઓ, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande