
ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : શિક્ષણમંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં નાગરિકોને ઘરઆંગણે જ વિવિધ સેવા આપવાના અભિગમ સાથે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'સેવા મારૂ યોગદાન' હેઠળ કોડિનાર તાલુકાના ફાચરિયા ખાતે પ્રાથમિક શાળાના પરિસર ખાતે ગ્રામ્ય સેવાસેતુ ૨.૧ કાર્યક્રમ યોજાયો હતો.
ડૉ. બાબાસાહેબ આંબેડકર અને પંડિત દિનદયાળ ઉપાધ્યાયનું સ્મરણ કરી શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, આ બન્ને મહાનુભાવોએ અંત્યોદયની ચિંતા કરી હતી. અંત્યોદય એટલે કે છેવાડાના માણસની સેવાનો વિચાર કરી આ મહાનુભાવોએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યુ હતું. તેમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ.
આ જ વિચાર લક્ષમાં લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ છેવાડાના માણસની ચિંતા કરી છે. મુખ્યમંત્રી તરીકે તેમના ૧૩ વર્ષ અને વડાપ્રધાન તરીકેના તેમના ૧૨ વર્ષ એટલે કે સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
વર્તમાન રાજ્ય સરકાર પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ઘરઆંગણે જ ગ્રામ્યજનોને પણ અનેક જનકલ્યાણલક્ષી યોજનાનો લાભ અગાઉ પણ મળ્યો છે અને આ શ્રેણી સતત ચાલી રહી છે. તેના ઉપક્રમમાં આજે આ સેવાસેતુ કાર્યક્રમ કોડિનાર તાલુકાના અંતરિયાળ એવા ફાચરિયા ગામમાં યોજાઈ રહ્યો છે. જેથી ગામના લોકોને સરકારી યોજનાઓના લાભ માટે જિલ્લાના વડામથક સુધી લાંબુ ન થવું પડે.
મંત્રીએ તમામ સંબંધિત ગ્રામજનોને આ સેવાસેતુ કેમ્પનો લાભ લેવા અને વિવિધ યોજનાઓનો લાભ લઈ અન્યને પણ પ્રોત્સાહન કરવા અનુરોધ કર્યો હતો.
મંત્રીએ સેવાસેતુના વિવિધ વિભાગના સ્ટૉલની મુલાકાત લઈ બાળકને મળતી પોષણ વાનગીઓ, અભ્યાસ સાથે ઈત્તર પ્રવૃત્તિઓ, બાળકોના રસીકરણ, ગ્રામ્ય આંગણવાડી કેન્દ્રોની વ્યવસ્થાઓની જાણકારી મેળવી હતી.
બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રીમાતાઓ તથા કિશોરીઓના આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ માટે ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ આશાવર્કર બહેનોને શ્રેષ્ઠ કામગીરી બદલ મંત્રીશ્રીએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ફાચરિયા ખાતે નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ વિભાગની જનકલ્યાણલક્ષી સેવાઓ ત્વરિત જ મળી રહે તે માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા કલ્યાણકારી યોજનાઓ, સરકારી પ્રમાણપત્રો અને વિવિધ કાર્ડ મેળવવા જેવી પ્રક્રિયાનું સુચારૂ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબહેન બાંભણિયા, જિલ્લા પંચાયતના દંડક દર્પિત ડોડિયા, અગ્રણી જીતુભાઈ બારડ, ભગુભાઈ પરમાર, રાયસીભાઈ પઢિયાર, ઉનાના પ્રાંત અધિકારી અજય શામળા, કોડિનારના મામલતદાર એચ.કે.ભાસ્કર, અધિકારીઓ-કર્મચારીઓ, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ