
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.). વૈજ્ઞાનિક જાણકારીને દેશના વધુને વધુ લોકો સુધી તેમની પોતાની ભાષાઓમાં પહોંચાડવાની દિશામાં સી.એસ.આઈ.આર.એ મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડો. જિતેન્દ્ર સિંહે, સી.એસ.આઈ.આર.ના 85મા સ્થાપના દિવસ પર પાંચ ભારતીય ભાષાઓમાં નવી લોકપ્રિય વિજ્ઞાન પત્રિકાઓનો શુભારંભ કર્યો.
સી.એસ.આઈ.આર.ના રાષ્ટ્રીય વિજ્ઞાન સંચાર અને નીતિ સંશોધન સંસ્થા (સી.એસ.આઈ.આર.-નિસપર) દ્વારા શરૂ કરાયેલી આ પત્રિકાઓ તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી અને આસામી ભાષાઓમાં પ્રકાશિત થશે. આમાં આસામીની ‘વિજ્ઞાન લહર’, બંગાળીની ‘વિજ્ઞાન વૃત્તાંત’, મરાઠીની ‘વિજ્ઞાન ક્ષિતિજ’, તમિલની ‘અરિવિયાલ અરિક્કૈયાલર’ અને તેલુગુની ‘વિજ્ઞાન વેલુગુ’નો સમાવેશ થાય છે.
આ પહેલ સી.એસ.આઈ.આર.-નિસપરની લાંબા સમયથી ચાલી આવતી વિજ્ઞાન સંચારની પરંપરાનું વિસ્તરણ છે. સંસ્થાની મુખ્ય પત્રિકાઓમાં અંગ્રેજીની ‘સાયન્સ રિપોર્ટર’, હિન્દીની ‘વિજ્ઞાન પ્રગતિ’ અને ઉર્દૂની ‘સાયન્સ કી દુનિયા’નો સમાવેશ થાય છે.
આ પત્રિકાઓની વિશેષતા એ છે કે, આમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) જેવી આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. સી.એસ.આઈ.આર.-નિસપરની હાલની વિજ્ઞાન પત્રિકાઓની પસંદગીની સામગ્રીનું એઆઈ ની મદદથી વિવિધ ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવશે. આ પછી માનવ નિષ્ણાતો તેની સમીક્ષા, પ્રૂફરીડિંગ, તથ્ય-તપાસ અને સંપાદન કરશે, જેથી વૈજ્ઞાનિક તથ્યોની સચોટતા અને ભાષાની ગુણવત્તા જળવાઈ રહે.
પત્રિકાઓમાં અનુવાદિત સામગ્રીની સાથે-સાથે સંબંધિત ભારતીય ભાષાઓમાં મૌલિક લેખો પણ પ્રકાશિત થશે. આનાથી પ્રાદેશિક ભાષાઓમાં વિજ્ઞાન લેખનને પ્રોત્સાહન મળશે અને અલગ-અલગ ક્ષેત્રોની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીનતાઓ અને ટેકનોલોજીકલ વિકાસને પણ લોકો સુધી પહોંચાડી શકાશે.
કાર્યક્રમમાં સી.એસ.આઈ.આર.ના મહાનિર્દેશક અને ડી.એસ.આઈ.આર.ના સચિવ ડો. એન. કલાઈસેલ્વી અને સી.એસ.આઈ.આર.-નિસપરના નિર્દેશક ડો. ગીતા વાણી રાયસમ સહિત વિવિધ પત્રિકાઓના સંપાદકો અને સંપાદકીય ટીમ હાજર રહ્યા. સી.એસ.આઈ.આર.-નિસપરના નિર્દેશક ડો. ગીતા વાણી રાયસમે જણાવ્યું કે, પાંચ ભાષાઓમાં નવી પત્રિકાઓની શરૂઆતનો ઉદ્દેશ્ય વિજ્ઞાનને સમાજના વ્યાપક વર્ગ સુધી પહોંચાડવાનો અને બહુભાષી, સમાવેશી તથા વૈજ્ઞાનિક રીતે જાગૃત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ