
- વેચાણની પરવાનગી અને BU પરમિશન સંદર્ભે નોટિસ આપી ખુલાસો માંગ્યો, પુરાવા રજુ ન કરે ત્યાં સુધી દુકાનો સીલ
અમદાવાદ,30 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વર્ષે એક્શન મોડમાં આવું ગયું હોય તેવું લાગી રહ્યું છે.હાઇકોર્ટ દ્વારા વારંવારની ફટકાર પછી અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. કાલુપુર દરવાજા પાસે આવેલી 30 જેટલી ફટાકડાની દુકાનોને સીલ મારવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને આ દુકાનોમાં જરૂરી પરવાનગીઓ ન હોવા અંગેની માહિતી મળતાની સાથે જ તેને સીલ કરવામા આવી છે..
ફટાકડાના વેચાણ માટેની પરવાનગી અને બીયુ પરમિશન સંદર્ભે નોટિસ આપી અને ખુલાસો માંગવામાં આવ્યો છે. જ્યાં સુધી પુરાવા રજુ નહીં કરવામાં આવે ત્યાં સુધી ફટાકડાની દુકાનોને કોર્પોરેશન દ્વારા સીલ રાખવામાં આવશે.
મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, કાલુપુર દરવાજા થી કાલુપુર ટાવર તરફ કેટલીક ફટાકડાની દુકાનો આવેલી છે, જે દુકાનો બાબતે ફરિયાદ મળતાની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને કર્મચારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
ફટાકડાની અંદાજિત 30 દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસે બી.યુ પરમિશન, ફાયર એનઓસી, એક્સપ્લોઝિવનું સર્ટિફિકેટ અને પોલીસ પરવાનગી સહિતની વિગતો માંગવામાં આવી હતી.
જેમાં દુકાનો પાસે પૂરતા પ્રમાણમાં પુરાવા ન હોવાને લઈને 30 જેટલી દુકાનોને એસ્ટેટ વિભાગ દ્વારા હાલમાં સીલ મારવામાં આવી છે.
તમામ દુકાનદારોને નોટિસ આપી ત્રણ દિવસમાં ખુલાસો આપવા જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી ફટાકડાની દુકાનના મંજૂરી માટેના પુરાવા રજુ નહીં કરવામાં આવે ત્યાં સુધી દુકાનો ખોલવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, કાલુપુર પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર જ ફટાકડાની દુકાનો આવેલી છે અને આ દુકાનોમાં પોલીસ પરવાનગી આપવામાં આવેલી છે કે કેમ તેને લઈને કોઈ માહિતી મળી નથી. ફટાકડાની દુકાનો ભર બજારમાં આવેલી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ