
ભાવનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) પાલીતાણા રૂરલ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અનામત એએસઆઈ આર.બી. કોતરને બાતમી મળી હતી કે, નોઘણવદર ગામથી હણોલ ગામ તરફ જવાના રસ્તેથી સફેદ કલરની ઇક્કો ફોરવ્હીલ ગાડી પસાર થવાની છે, જેમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે. મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફે નેસડી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી ઇક્કો ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી આર.જે. ગ્રીન સ્પેશિયલ વ્હિસ્કી, ‘ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી’ લખેલી 180 એમએલની પ્લાસ્ટિકની સીલપેક ચપટી બોટલો નંગ-190 મળી આવી હતી. જેની કુલ કિંમત રૂ.34,200 હોવાનું જણાવાયું છે.
પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ઇક્કો ફોરવ્હીલ ગાડી કિંમત રૂ.3 લાખ, તેમજ રિયલમી કંપનીનો મોબાઇલ ફોન, કિંમત રૂ.10 હજાર મળી કુલ રૂ.3,44,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રાકેશભાઈ રમણભાઈ નીનામા અરવલ્લીની ધરપકડ કરી છે. જ્યારે ‘બાબુ પાલીતાણા વાળો’ નામના અન્ય આરોપીને ઝડપી પાડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપીને તા.30 સપ્ટેમ્બર 2026 સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA