
અમરેલી,04 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી શહેરના નાગરિકો માટે મહત્વપૂર્ણ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમરેલી ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા આધાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર શરૂ થતાં શહેર અને આસપાસના લોકોને આધારકાર્ડને લગતી વિવિધ કામગીરી માટે વધુ સરળતા અને સુવિધા મળી રહેશે.
આધારકાર્ડ આજના સમયમાં અનેક સરકારી અને બિનસરકારી સેવાઓ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધારકાર્ડમાં સુધારા, માહિતી અપડેટ કરવા સહિતની વિવિધ કામગીરી માટે લોકોને અત્યાર સુધી અન્ય સ્થળોએ જવું પડતું હોય તો હવે સ્થાનિક સ્તરે જ સુવિધા ઉપલબ્ધ થવાથી સમય અને મુસાફરીના ખર્ચમાં બચત થવાની આશા છે.
ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને નજીકના સ્થળે મળી રહે તે માટે આવી સુવિધાઓ જરૂરી છે. આધાર કેન્દ્રના પ્રારંભથી અમરેલીના અનેક નાગરિકોને તેનો સીધો લાભ મળશે.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આધાર સંબંધિત કામગીરી માટે લોકોને વધુ સુવિધા મળે અને સમયસર કામ પૂર્ણ થાય તે દિશામાં આ કેન્દ્ર મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai