

- રિન્યુએબલ એનર્જી-ગ્રીન હાઈડ્રોજન-સેમિકન્ડક્ટર જેવા ઈમર્જીંગ સેક્ટર્સમાં ગુજરાત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જર્નીની લીડ લેવા સજ્જ છે: મુખ્યમંત્રી
- વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલ્સ અને ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ સાથે ઇન્ટરેકશન સેશન યોજાયું
ગાંધીનગર,04 સપ્ટેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પ્રમોશન માટે મુંબઈમાં યોજાયેલા રોડ-શૉમાં દેશ-વિદેશના ઉદ્યોગ-નિવેશકારોને “કમ ટુ ગુજરાત - ગ્રો ઇન ગુજરાત – ગ્રો વિથ ગુજરાતનું આહવાન કર્યું હતું.
તેમણે વિવિધ દેશોના કોન્સ્યુલેટ જનરલ્સ, ફોરેન મિશનના રિપ્રેઝન્ટેટિવ્ઝ અને દેશના અગ્રણી ઇન્ડસ્ટ્રી લીડર્સ સાથેના ઇન્ટરેકશન સેશનમાં ગુજરાતના પ્રભાવક વિકાસની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે દેશના ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ સાથે ગ્લોબલ ગેટવે ટુ ધી ફ્યુચર બની ગયું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથથી અનેક ગણું આગળ વધીને રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સેમિકન્ડક્ટર, ગ્રીન મેન્યુફેક્ચરીંગ જેવા ઉભરતા સેક્ટર્સમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી લીડ લેવા સજ્જ છે.
તેમણે કોન્સ્યુલ જનરલ્સ અને ફોરેન મિશનના રિપ્રેઝન્ટેટીવ્સ અને દેશના અગ્રણી બિઝનેસ લિડર્સને ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીના પાર્ટનર બનવા આમંત્રણ આપતા કહ્યું કે, ગુજરાતને માત્ર એક પ્રોજેક્ટ કે ઈન્ડસ્ટ્રીયલ યુનિટના સ્થાન તરીકે ન જોતા તેમના ભવિષ્યના વિકાસનો ટ્રસ્ટેડ પાર્ટનર બનાવે. તમારા નવા આઈડિયાઝ અને નવા ઈન્વેસ્ટમેન્ટ સાથે આવો, ગુજરાત સરકાર હર કદમ પર તમારી મદદ માટે તૈયાર છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત પાસે દેશની સૌથી મોટી કોસ્ટ લાઈન, વર્લ્ડ ક્લાસ પોર્ટ્સ, ડી.એફ.સી., ડી.એમ.આઈ.સી., મુંબઈ-અમદાવાદ હાઈસ્પિડ બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી અને મજબુત MSME ઈકો સિસ્ટમ તથા સ્કિલ્ડ મેનપાવરની સ્ટ્રેન્થ છે એટલુ જ નહિ, પોલિસી ડ્રિવન અને ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી ગવર્નન્સ ગુજરાતની આગવી ઓળખ છે અને દરેક પોલીસીઝ ગ્રાઉન્ડ રિયાલિટીમાં પરિવર્તિત થાય છે.
તેમણે કહ્યું કે, દેશની કુલ જી.ડી.પી.માં 8.2 ટકા, મેન્યુફેક્ચરીંગમાં 17 ટકા અને મર્ચન્ડાઈઝ એક્સપોર્ટમાં 25 ટકાનું યોગદાન આપતું ગુજરાત લેબર પીસ, ઝિરો મેન ડેઈઝ લોસ અને સંગીન લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનના કારણે વિશ્વ ભરના રોકાણકારોનું ફર્સ્ટ ચોઈસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશનના તાજેતરના રિપોર્ટ્સમાં જણાવ્યાં અનુસાર ગુજરાતના રાજકોટ, સુરત અને અમદાવાદ શહેરોમાં સૌથી વધુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ રેડ છે તેનું ગૌરવ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત હવે જેટ સ્પીડથી વિકાસ માટે સંપુર્ણ રીતે તૈયાર છે અને વિકસિત ગુજરાત 2047ના સંકલ્પ સાથે રાજ્યને 3.5 ટ્રીલિયન ઈકોનોમી બનાવવાનું અમારું લક્ષ્ય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે ગુજરાતે ચાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું પ્રાદેશિક સ્તરે થયેલા સફળ આયોજનની અને રિજનલ બેલેન્સ્ડ ડેવલપમેન્ટ માટે છ ઈકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન્સ તૈયાર થઈ રહ્યાં છે તેની પણ વિસ્તૃત ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ પેઢી દર પેઢીથી ચાલતા આવતા મુંબઈ અને ગુજરાતના સંબંધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં વધુ મજબુત બન્યા છે તેમ જણાવતાં કહ્યું કે, મુંબઈ અને ગુજરાત એક સાથે મળીને એશિયાન સૌથી શક્તિશાળી ઈકોનોમિક કોરીડોર બનવાની સંભાવનાઓ ધરાવે છે.
વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતના અર્થતંત્રએ 2026-27ના પહેલા ક્વાટરમાં 7.8 ટકાનો જી.ડી.પી. ગ્રોથ હાંસલ કર્યો છે તેવા ગૌરવપુર્ણ અવસરે તેમણે આર્થિક રાજધાની મુંબઈમાં યોજાયેલા આ રોડ-શૉને પ્રભાવક ગણાવ્યો હતો.
યહી સમય હૈ સહી સમય હૈના વડાપ્રધાનએ આપેલા વિચારને વાસ્તવિક રૂપ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 10,11,12 જાન્યુઆરી 2027માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવાનું દેશ-વિદેશના ઈન્ડસ્ટ્રીઝ લિડર્સને ભાવભર્યુ આમંત્રણ આપ્યું હતું.
મુખ્ય સચિવ એમ.કે.દાસે જણાવ્યું કે, ગુજરાત નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે દેશનું સૌથી સુરક્ષિત અને અનુકૂળ રાજ્ય છે. મુખ્ય સચિવશ્રીએ રાજ્યના સુદ્રઢ ઔદ્યોગિક માળખાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઈકોનોમિક માસ્ટર પ્લાન, બહેતર રોડ કનેક્ટિવિટી, એરપોર્ટ અને પોર્ટ્સનો વ્યાપક વિકાસ થયો છે તેના પરિણામે આજે સમગ્ર દેશના કુલ કાર્ગો હેન્ડલિંગના 40 ટકા જેટલું કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે.
આ ઉપરાંત, માલસામાનની ઝડપી હેરફેર માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો (DFC) પણ ઝડપી વિકાસ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ નીતિઓ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, 'વિકસિત ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલિસી' હેઠળ ઉદ્યોગોને ઈન્સેન્ટિવ મેળવવા માટે વિવિધ ચોઈસ આપવામાં આવી છે.
રોકાણકારોને ગુજરાતના આર્થિક વિકાસના સહભાગી બનવા માટે ખુલ્લું આહ્વાન કરતાં મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, જે રોકાણકારો પહેલેથી જ ગુજરાતમાં કાર્યરત છે તેઓ રાજ્યમાં તેમની હાજરી અને રોકાણમાં વધારો કરે, સાથે જ તમામ નવા રોકાણકારોનું પણ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે. ઉદ્યોગો અને વેપાર-રોજગારના સર્વાંગી વિકાસ માટે સરકાર તમામ જરૂરી સહયોગ આપવા કટિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ ગુજરાતની વિકાસયાત્રા અને ઉદ્યોગો માટેની તકો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી સમુદ્રી માર્ગો સાથે વિશ્વના દેશો સાથે જોડાયેલું ગુજરાત આજે ગ્લોબલ સપ્લાય ચેઇનનો મહત્વપૂર્ણ હિસ્સો બન્યું છે.
તેમણે જણાવ્યું કે, ગુજરાતે પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને સેમિકન્ડક્ટર, મેન્યુફેક્ચરિંગ અને ફ્યુચર ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ક્ષમતા પ્રસ્થાપિત કરી છે.
રાજ્યની ઉદ્યોગલક્ષી નીતિઓ, મજબૂત માળખાકીય સુવિધાઓ અને રોકાણને અનુકૂળ વાતાવરણના પરિણામે ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હોવાનું મમતા વર્માએ જણાવ્યું હતુ.
CIIના અધ્યક્ષ આર.મુકુંદને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની નીતિ સ્થિરતા, ઝડપી પ્રતિસાદ અને ઉદ્યોગો સાથેના સતત સંવાદના કારણે રાજ્યમાં રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
મુકુંદને જણાવ્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગજગત માટે સુલભ અને પ્રતિસાદી રહી છે તથા વ્યવસાય માટે સક્ષમ અને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા સતત કાર્યરત છે. ગુજરાત અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને નવા ઉભરતા ક્ષેત્રોનું અગ્રણી હબ બને તે દિશામાં રાજ્ય સરકારનો અભિગમ નોંધપાત્ર છે.
વાયબ્રન્ટ ગુજરાતની વર્ષ 2003માં યોજાયેલી પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટથી સી.આઈ.આઈ. જોડાયેલુ હોવાનું ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી આ પહેલ છેલ્લા બે દાયકામાં રોકાણ, ભાગીદારી અને આર્થિક વિકાસ માટેનું ગ્લોબલી રેકેગ્નાઈઝ્ડ પ્લેટફોર્મ બની છે.
RPG એન્ટરપ્રાઈઝિસના વાઈસ ચેરમેન અનંત ગોયન્કા તેમજ બ્લુ સ્ટાર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વીર અડવાણીએ ગુજરાતમાં પોતાના ઉદ્યોગ અને રોકાણ અંગેના અનુભવો શેર કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ