

અમદાવાદ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, શિક્ષણ એ માત્ર માહિતી મગજમાં ભરવાનું કામ નથી, પરંતુ તે જીવન ઘડતર, ચારિત્ર્ય નિર્માણ અને વિચારોનું સમન્વય છે. કોઈ બાળક જ્યારે પહેલીવાર શાળાએ જાય ત્યારે તેનો શિક્ષણ સાથે પરિચય થતો હોય છે, પરંતુ અમદાવાદના ડૉ. મહેશ ત્ર્યંબકલાલ ઠક્કર માટે આ વાત સાવ અલગ હતી. એક શિક્ષક દંપતીના આંગણે જન્મેલા મહેશભાઈ માટે શિક્ષણ એ ઘરના શ્વાસ સમાન હતું. બાળપણમાં રમકડાંની સાથે-સાથે તેમણે માતા-પિતાને પાઠની તૈયારી કરતા, વિદ્યાર્થીઓની પ્રગતિની ચિંતા કરતા અને 'કોઈ બાળક પાછળ ન રહી જાય' તેની હૃદયપૂર્વકની કાળજી લેતા જોયા હતા. આ જ સંવેદનાએ તેમના હૃદયમાં એક બીજ વાવ્યું, જેણે આગળ જતાં તેમને માત્ર વ્યવસાયી નહીં, પરંતુ એક સાચા 'શિક્ષક' બનાવ્યા. તેમના મતે શિક્ષણ એ ક્યારેય માત્ર નોકરી રહી જ નથી, પણ જીવન સાથે વિકસતી એક જીવંત પ્રક્રિયા છે.
શીખવાની આ અદમ્ય જિજ્ઞાસાએ જ તેમને શિક્ષણમાં અવિરત યાત્રા કરાવી. આ માત્ર ડિગ્રીઓ મેળવવાની દોડ નહોતી, પરંતુ શિક્ષણને, બાળકને અને તેના ઘડતરને વિવિધ દ્રષ્ટિકોણથી સમજવાની એક ભાવનાત્મક મથામણ હતી. અમદાવાદના મણિનગર સ્થિત કુમકુમ વિદ્યાલયના આચાર્ય તરીકે છેલ્લા બે દાયકાથી તેઓ શાળાને માત્ર પરીક્ષાના પરિણામો લાવવાનું સ્થળ નહીં, પરંતુ બાળકના વિચાર, સ્વભાવ, સંવેદના અને સર્જનાત્મકતાને આકાર આપતું પવિત્ર પરિસર માને છે.
દરેક બાળક સમાન પરિસ્થિતિમાંથી આવતું નથી, આ કડવી વાસ્તવિકતા ડૉ. ઠક્કરના હૃદયને હંમેશા સ્પર્શતી રહી છે. કોઈ ગરીબ વિદ્યાર્થી આર્થિક તંગી કે પારિવારિક સંજોગોના કારણે ભણતર ન છોડે અને દીકરીઓનું શિક્ષણ અવિરત ચાલુ રહે તે માટે તેઓ સતત વાલીઓ સાથે સંવાદ કરી તેમને સહયોગ અને માર્ગદર્શન આપતા રહે છે. તેઓ માત્ર પુસ્તકિયા જ્ઞાનથી સંતોષ માનતા નથી, પરંતુ મારું બાળક આવતીકાલના પડકારોનો સામનો કેવી રીતે કરશે? એ ચિંતાથી પ્રેરાઈને તેમણે શાળામાં Robotics, STEM, 'Smart Money Club' દ્વારા આર્થિક સાક્ષરતા અને NCC જેવી પહેલ શરૂ કરી છે.
મહેશભાઈની આ જ ધગશને કારણે શાળાના 8 વિદ્યાર્થીઓ આજે અમેરિકાના 'Student Exchange Programme'માં સંપૂર્ણ પ્રાયોજિત સ્કોલરશિપ સાથે સિલેક્ટ થયા છે, જે એક શિક્ષક માટે સૌથી મોટો આત્મસંતોષ છે.
ડૉ. મહેશ ઠક્કરનું સ્વપ્ન છે કે ટેક્નોલોજી માત્ર નિર્જીવ સાધન ન બની રહે, પરંતુ તેમાં માનવીય સંવેદના ભળે. 'Educational Data Management System' દ્વારા તેઓ એવા ડેટાને જીવંત કરવા માંગે છે જે ડ્રોપઆઉટના જોખમમાં રહેલા કે પાછળ છૂટી ગયેલા બાળકની પીડા સમજી શકે અને શૈક્ષણિક નિર્ણયોને વધુ જવાબદાર બનાવી શકે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અને ભારતીય જ્ઞાનપરંપરાના સમન્વયથી ભારતને ફરી 'વિશ્વગુરુ' બનાવવાનું તેમનું સ્વપ્ન માત્ર શબ્દો પૂરતું નથી, પરંતુ એક સતત શીખતા વિદ્યાર્થી તરીકે તેમાં પોતાની આહુતિ આપવાની તેમની તૈયારી છે.
શિક્ષક દિવસના આ પવિત્ર પર્વે, ડૉ. મહેશ ઠક્કરની આ યાત્રા યાદ અપાવે છે કે જ્યારે શિક્ષકના હૃદયમાં વિદ્યાર્થી પ્રત્યેની સાચી સંવેદના અને રાષ્ટ્રનિર્માણની ભાવના જાગે છે, ત્યારે સાચા અર્થમાં આવનારી પેઢીઓનું ઘડતર થાય છે. જેમ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે કહ્યું છે કે, શિક્ષણ એ એક એવો ઉમદા વ્યવસાય છે જે વ્યક્તિના ચારિત્ર્ય, ક્ષમતા અને ભવિષ્યને આકાર આપે છે. ડૉ. ઠક્કરની આ જીવનયાત્રા આ વિચારનું જીવંત અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ