
સોમનાથ,04 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ચંદનલેપ અને બોરસલીનો વિશેષ દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો
પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને ચંદનના લેપ અને બોરસલીના પુષ્પોથી ભવ્ય તેમજ અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો.
સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય કલ્યાણના મંગળ ભાવ સાથે આ વિશેષ શૃંગાર સંપન્ન થયો હતો. મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ વિશેષ રીતે તૈયાર કરાયેલ શુદ્ધ ચંદનનો લેપ મહાદેવને અર્પણ કરવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મમાં ચંદનને અત્યંત પવિત્ર માનવામાં આવે છે; તેની શીતળતા અને દિવ્ય સુગંધ મનને શાંતિ આપે છે તથા ભક્તોની આધ્યાત્મિક અનુભૂતિ અને ધ્યાનમાં વૃદ્ધિ કરે છે.
ચંદનલેપની સાથોસાથ મહાદેવને બોરસલીનો વિશિષ્ટ શૃંગાર પણ ધરવામાં આવ્યો હતો. શાસ્ત્રોમાં બોરસલીના વૃક્ષનું વિશેષ મહત્વ દર્શાવાયું છે, જે ભગવાન શિવના 'સત્-ચિત્-આનંદ', શાંતિ અને નિર્મોહનું પ્રતીક મનાય છે. ધાર્મિક તથા આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં બોરસલીનું વિશેષ સ્થાન છે. જ્યોતિર્લિંગ પર ચંદન અને બોરસલીના આ મનોહર શૃંગારના દર્શન કરી ભાવિક ભક્તોએ પરમ શાંતિ અને સકારાત્મક ઊર્જાની અનુભૂતિ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ