
જૂનાગઢ,04 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં દીપડાના દર્શન થતાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસથી કિલ્લો પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં પરિસરમાં જોવા મળેલ દીપડો વન વિભાગે પાંજરે પૂર્યો,કિલ્લો ફરી પ્રવાસીઓ માટે સુરક્ષિત.
30 ઓગસ્ટે રવિવારે સાંજના સમયે અચાનક દીપડો દેખાતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. કિલ્લામાં દીપડો હોવાની આશંકા અને તેના વીડિયો સામે આવ્યા બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રવિવારે સાંજે જ આખો કિલ્લો તાત્કાલિક ખાલી કરાવીને બંધ કરી દેવામાં આવ્યો હતો.
કિલ્લા પરિસરમાં દીપડાની હાજરીને પગલે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે.
કિલ્લામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં 30 ઓગસ્ટે અને 1 સપ્ટેમ્બરે રાત્રે દીપડાની લટાર અને મુવમેન્ટ સ્પષ્ટપણે જોવા મળી હતી. વન વિભાગ દ્વારા દીપડાને સલામત રીતે પકડી પાડવા કિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.
પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી સતત અને સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગના ફિલ્ડ સ્ટાફ, ટ્રેકર ટીમ અને વેટરનરી ટીમ દ્વારા દિવસ-રાત સ્થળ પર પગપાળા સઘન તપાસ અને મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે 5 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.
સમગ્ર વિસ્તારમાં 24×7 પેટ્રોલિંગ, ટ્રેપ કેમેરા દ્વારા સતત દેખરેખ તેમજ થર્મલ ડ્રોનથી સઘન સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.વન વિભાગની ટીમોની સતત મહેનત અને સઘન મોનિટરિંગના પરિણામે હવે પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે.
પ્રવાસીઓની સલામતી સર્વોપરી છે અને વન્યજીવ સંરક્ષણ સાથે માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા માટે વન વિભાગ સતત સતર્ક અને પ્રતિબદ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ