કોળીયાક ખાતે ભાદરવી અમાસનો મેળો 10 અને 11 સપ્ટેમ્બરે યોજાશે
ભાવનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર તાલુકાના કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં આગામી તા. 10 અને 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ભાદરવી અમાસનો લોકમેળો યોજાશે. મેળાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ વિભાગોને જ
મેળા ના આયોજન માટે બેઠક યોજવામાં આવી


ભાવનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર તાલુકાના કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં આગામી તા. 10 અને 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ભાદરવી અમાસનો લોકમેળો યોજાશે. મેળાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ વિભાગોને જરૂરી જવાબદારીઓ સોંપી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ભાદરવી અમાસના મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડવાની સંભાવનાને પગલે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા, સુવિધા અને વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે. મેળો શાંતિપૂર્ણ અને સુખરૂપ રીતે સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

મેળાની તૈયારીઓની સમીક્ષા માટે ભાવનગર કલેકટર કચેરી ખાતે ગ્રામ્ય પ્રાંત અધિકારી તમન્ના ઝાલોડિયાની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેળાના સ્થળે ફાયર ફાઇટરની વ્યવસ્થા, મોબાઇલ ટોઇલેટ, પાર્કિંગ, રેસ્ક્યુ ટીમની તૈનાતી અને સતત પોલીસ પેટ્રોલિંગ સહિતની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત શ્રદ્ધાળુઓની અવરજવર સરળ બને તે માટે જરૂરી બેરીકેડિંગ, એસ.ટી. બસ સેવા, લાઇટિંગ અને માઇક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. બચાવ કામગીરી માટે બોટ અને રેસ્ક્યુ ટીમની વ્યવસ્થા સાથે સ્થળ પર મેડિકલ ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. મેળા દરમિયાન કોઈપણ આપત્તિ કે કટોકટીની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે તંત્ર સજ્જ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande