મુંબઈ, નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). ધનતેરસના દિવસે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ, બ્રિટનમાંથી 102 ટન સોનું ભારતમાં પાછું શિફ્ટ કર્યું છે. સપ્ટેમ્બરના અંતે, આરબીઆઈ પાસે કુલ 855 ટન સોનાનો ભંડાર હતો, જેમાંથી 510.5 ટન દેશમાં રાખવામાં આવ્યો છે. વિદેશી મુદ્રા ભંડારના સંચાલન અંગે રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા અહેવાલમાં આ વાત સામે આવી છે.
બેંક રેગ્યુલેટરે એક નિવેદનમાં કહ્યું છે કે, આરબીઆઈ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં માર્ચ-સપ્ટેમ્બર 2024 વચ્ચે બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (બીઆઈએસ)માં સુરક્ષિત રાખવામાં આવેલ, 102 ટન સોનું ભારત પરત લાવી છે. આરબીઆઈ પાસે હવે સ્થાનિક સ્તરે, તેના કુલ 854.73 ટન સોનાના ભંડારમાંથી 60 ટકા (510.5 ટન) છે.
આરબીઆઈ, સપ્ટેમ્બર 2022 થી અત્યાર સુધીમાં દેશમાં 214 ટન સોનું લાવી છે. અગાઉ, બેંક રેગ્યુલેટર 31 મેના રોજ 100 ટન સોનું ભારત પરત લાવ્યા હતા. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યુકેથી 100 ટન સોનું ભારતમાં લાવવામાં આવ્યું છે. હકીકતમાં, 1990 ના દાયકાની શરૂઆતમાં, ભારતની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હતી, જેના કારણે તેણે સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. આટલો સોનો ભારતમાં પાછો ફર્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. ગયા વખતની જેમ, આરબીઆઈ અને સરકારે દેશમાં સોનું લાવવા માટે વિશેષ વિમાન અને સુરક્ષા વ્યવસ્થા સાથે ગુપ્ત મિશન ચલાવ્યું હતું.
નોંધનીય છે કે, આરબીઆઈ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સોનું રાખે છે. વિશ્વના તમામ દેશોની સેન્ટ્રલ બેંકો સોનાને અલગ અલગ જગ્યાએ સુરક્ષિત રાખવા માંગે છે જેથી જોખમ ઘટાડી શકાય. જો આફત કે રાજકીય અસ્થિરતાના કારણે દેશમાં આર્થિક સ્થિતિ બગડે તો તેને દૂર કરવા માટે વિદેશમાં રાખવામાં આવેલ સોનું ઉપયોગી છે. કુદરતી આફતો પણ સોનાના ભંડારને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં સોનું અલગ-અલગ જગ્યાએ રાખવાથી આ જોખમ ઓછું થાય છે.
બ્રિટન, ઘણી કેન્દ્રીય બેંકો માટે સોનાનું વેરહાઉસ છે
બ્રિટનની બેંક ઓફ ઈંગ્લેન્ડ, પરંપરાગત રીતે વિશ્વની ઘણી કેન્દ્રીય બેંકો માટે સોનાનું ભંડાર ઘર છે. ભારતની આઝાદી પહેલા લંડનમાં અમુક રકમનું સોનું જમા છે, કારણ કે આઝાદી પહેલા બ્રિટન ભારતનું સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડમાં રાખતું હતું. તેથી, આઝાદી પછી પણ ભારતે લંડનમાં થોડું સોનું રાખ્યું હતું. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, હવે 324 ટન સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટની સલામત કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે. હકીકતમાં, ઘણા દેશો બેંક ઓફ ઈંગ્લેન્ડમાં પણ તેમનું સોનું રાખે છે. તે ન્યુયોર્ક ફેડરલ રિઝર્વ પછી બીજા ક્રમનું સૌથી મોટું ગોલ્ડ કસ્ટોડિયન છે. બ્રિટનનું બુલિયન વેરહાઉસ 1697માં બનાવવામાં આવ્યું હતું. તેમાં અંદાજે 4 લાખ સોનાની લગડીઓ છે. સપ્ટેમ્બરમાં આ તિજોરીઓમાં લગભગ 5,350 ટન સોનું હતું.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/પવન કુમાર / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ