કરાચી, નવી દિલ્હી, 07 ઓક્ટોબર (હિ.સ.) પાકિસ્તાનમાં કરાચીના જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર, રોડ પર રવિવારે રાત્રે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને એક વિદેશી નાગરિક સહિત 11 અન્ય ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ પર વિરોધાભાસી મંતવ્યો બહાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્ફોટનો અવાજ આખા શહેરમાં સંભળાયો હતો. ઘણા અધિકારીઓ તેને આઈઈડી બ્લાસ્ટ ગણાવી રહ્યા છે. કેટલાક અધિકારીઓ કહી રહ્યા છે કે, ઓઇલ ટેન્કર સાથે વાહન અથડાવાને કારણે વિસ્ફોટ થયો હતો.
ડૉન અખબારે તેના સમાચારમાં ઉલ્લેખ કર્યો છે કે, પોલીસ અને રેન્જર્સની મોટી ટુકડી ઘટનાસ્થળે પહોંચી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વિસ્ફોટ સ્થળના ફૂટેજમાં અનેક વાહનો આગની લપેટમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ વિસ્ફોટનું સ્વરૂપ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
ઘટનાસ્થળે, ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (પૂર્વ) કેપ્ટન (નિવૃત્ત) અઝફર મહેસરે પત્રકારોને પુષ્ટિ આપી હતી કે, વિસ્ફોટમાં બે લોકો માર્યા ગયા હતા. વિસ્ફોટમાં સાત વાહનો નાશ પામ્યા હતા. તેમણે કહ્યું કે, વિસ્ફોટનું ચોક્કસ સ્વરૂપ નક્કી કરવામાં સમય લાગશે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે, આ આતંકવાદી ઘટના છે કે અકસ્માત. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મીના માજીદ બ્રિગેડે એક નિવેદન જારી કરીને હુમલાની જવાબદારી સ્વીકારી છે.
પોલીસ અધિકારી ડૉ. સુમૈયા સૈયદે જણાવ્યું કે, એક પોલીસકર્મી અને એક મહિલા સહિત ઓછામાં ઓછા નવ ઘાયલોને જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોમાંથી બેને ક્લિફ્ટનની ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ વકાર અહમદ (28), મોહમ્મદ ઇલ્યાસ (35), મોહમ્મદ નઈમ (51), રાનુ ખાન (35), અઝીમ મીર (45), તસ્લીમ નૂર (48), અલી રફીક (29) હમઝા અતીક (28) અને મોહિઉદ્દીન (30) તરીકે થઇ છે.
સિવિલ એવિએશન ઓથોરિટીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેની તમામ સંપત્તિઓ સુરક્ષિત છે અને ફ્લાઈટ્સ નિર્ધારિત મુજબ કાર્યરત છે.
સિંધના ગવર્નર કામરાન ટેસોરીએ કહ્યું કે તપાસ ચાલુ છે અને અટકળો ટાળવી જોઈએ. સિંધના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરે કહ્યું કે, આ એક આઈઈડી બ્લાસ્ટ હતો. વિસ્ફોટ સમયે વિદેશી નાગરિકોનો કાફલો આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. ચેનલ એઆરવાય ન્યૂઝ અનુસાર, જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સિગ્નલ પાસે વિસ્ફોટ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ