
કારાકસ (વેનેઝુએલા), નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ.સ.): વેનેઝુએલાની રાજધાની કારાકસમાં રાષ્ટ્રપતિ મહેલ, પેલાસિઓ ડી મીરાફ્લોરેસ નજીક ગોળીબાર અને જોરદાર વિસ્ફોટો સંભળાયા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઘટના અમેરિકી સૈન્ય દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર હુમલો કરીને તેને કબજે કર્યાના બે દિવસ પછી બની છે. દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજે વચગાળાના રાષ્ટ્રપતિની ભૂમિકા સંભાળી છે. વેનેઝુએલાના સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. અમેરિકાએ જણાવ્યું છે કે, આ ઘટનામાં તેનો કોઈ હાથ નથી.
સીએનએનના અહેવાલ મુજબ, એક ચકાસાયેલ વિડિઓમાં કારાકાસ પર એન્ટી એરક્રાફ્ટ ફાયરીંગ જોવા મળે છે. અન્ય એક ચકાસાયેલ વિડિઓમાં રાજધાનીમાં ગોળીબાર પણ જોવા મળે છે. એક નાગરિકે પુષ્ટિ આપી હતી કે, તેણે મીરાફ્લોરેસ રાષ્ટ્રપતિ મહેલ નજીક ઉએડાનેટા એવન્યુ નજીક ગોળીબાર સાંભળ્યો હતો. એક અહેવાલમાં જણાવાયું છે કે, સુરક્ષા દળોએ ગેરસમજને કારણે ગોળીબાર કર્યો હતો. એક સૂત્રના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ મહેલ ઉપર ડ્રોન દેખાયા પછી ગોળીબાર કરવામાં આવ્યો હતો.
એ નોંધનીય છે કે, વિમાન વિરોધી ગોળીબાર એક રક્ષણાત્મક પ્રણાલી છે. તેનો ઉપયોગ દુશ્મનના હવાઈ સંરક્ષણ (જેમ કે વિમાન, મિસાઇલ અથવા ડ્રોન) ને નષ્ટ કરવા માટે થાય છે.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકા આ ઘટના પર નજીકથી નજર રાખી રહ્યું છે. અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, અમેરિકા આમાં સામેલ નથી. દરમિયાન, વેનેઝુએલાના માહિતી મંત્રાલય અને વિદેશ મંત્રાલયે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ