નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિ.સ.) જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાનની 'દેવરા પાર્ટ 1' એ બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરી છે. 27 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ અખિલ ભારતીય ફિલ્મે, તેના પહેલા અઠવાડિયામાં જ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અભિનેતા જુનિયર એનટીઆર, જાહ્નવી કપૂર, સૈફ અલી ખાન અને અભિનેત્રી શ્રુતિ મરાઠે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં અભિનેતા પ્રકાશ રાજ અને ઝરીના વહાબ પણ મહત્વની ભૂમિકામાં છે.
બોક્સ ઓફિસ રિપોર્ટ-
બોક્સ ઓફિસ ટ્રેકર સૈકનિલ્કના જણાવ્યા અનુસાર, 'દેવરા' એ તેની રિલીઝના 10મા દિવસે, એટલે કે બીજા રવિવારે 12.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, ત્યારબાદ તેનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 243.1 કરોડ રૂપિયા થઈ ગયું છે.
'દેવરા' જુનિયર એનટીઆરની છ વર્ષ પછી પહેલી ફિલ્મ છે. પહેલા તે એસ.એસ. રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'આરઆરઆર' માં જોવા મળ્યો હતો. થોડા દિવસો પહેલા જુનિયર એનટીઆરએ સોશિયલ મીડિયા પર તેના ફેન્સનો આભાર માન્યો હતો. જે દિવસની હું રાહ જોઈ રહ્યો હતો તે દિવસ આખરે આવી ગયો... તમારી અનોખી પ્રતિક્રિયાઓથી અભિભૂત છું, તેણે એક્સ પર લખ્યું. મારા ચાહકો, 'દેવરા' પ્રત્યે તમારો ઉત્સાહ જોઈને હું ખૂબ જ ખુશ છું. તમારા પ્રેમ માટે હું હંમેશા આભારી રહીશ. ફિલ્મની મજા તમે જેટલી લીધી, મેં પણ તેટલો જ આનંદ લીધો.
ફિલ્મ 'દેવરા પાર્ટ 1' વિશે-
આ ફિલ્મમાં જુનિયર એનટીઆર ડબલ રોલમાં છે, જ્યારે સૈફ અલી ખાન, જાહ્નવી કપૂર, પ્રકાશ રાજ, શ્રીકાંત મેકા, ટોમ શાઈન ચાકો અને નારાયણ મહત્વની ભૂમિકામાં છે. જુનિયર એનટીઆરના સમુદ્ર અને જમીન પરના લડાઈના દ્રશ્યો અદ્ભુત છે. આ ફિલ્મમાં અભિનેતા સૈફ અલી ખાને, ક્રૂર વિલનની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં ખૂબ જ લોહીલુહાણ અને જબરદસ્ત લડાઈના દ્રશ્યો છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆરની મજબૂત એક્શન ફ્રેમ છે. ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવા છતાં, ફિલ્મ પ્રથમ દિવસે જબરદસ્ત સફળ બની હતી અને પ્રથમ દિવસે 172 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ