-નર્મદા જિલ્લામાં પ્રભાત ફેરી થકી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પરિણામલક્ષી પ્રયાસ
રાજપીપલા, 21 નવેમ્બર (હિ.સ.). નર્મદા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવીને સફળ થઈ રહ્યાં છે,ત્યારે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તેવા ઉમદા આશય સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેતી જનજાગૃતિ અભિયાન તથા પી.એમ. કિસાન યોજનામાં ફાર્મર રજીસ્ટ્રી ઝુંબેશ હેઠળ પ્રભાત ફેરીનું આયોજન કરાયું છે.
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેડિયાપાડા તાલુકાના કેવડી ખાતે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તેવા ઉમદા આશય સાથે ગ્રામજનો તથા ખેડૂતોને જાગૃત કરવા માટે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો પ્રેરક સંદેશો આપવામાં આવ્યો હતો. સાથો સાથ સાગબારા તાલુકાના નાના કાકડી આંબા અને ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર ખાતે પણ પ્રભાત ફેરીના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, પી.એમ. કિસાન યોજનામાં ફાર્મર રજીસ્ટ્રી ઝુંબેશ હેઠળ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રજીસ્ટર થયેલા નર્મદા જિલ્લાના ખેડૂત લાભાર્થીઓએ આગામી તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૪ દરમિયાન ખેડૂત આઈડીની નોંધણી ફરજીયાત કરાવવા અંગે પણ ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી સંદર્ભે જાગૃતિ અભિયાનમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી વિનોદભાઈ પટેલ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ડી. કે. શિનોરા, આત્મા પ્રોજેક્ટના ડે. ડાયરેક્ટર બી.વાય. પંચોલી તથા તાલુકાના ખેતીવાડી-આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ પ્રભાત ફેરીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, તા.૨૩ મી નવેમ્બરના રોજ દેડિયાપાડાના સોલીયા, તિલકવાડાના સાહેબપુરા, નાંદોદના બોરીદ્રા, ગરૂડેશ્વરના ટીમરવા અને સાગબારાના પાંચપીપરી ખાતે તેમજ તા.૨૫ મી એ તિલકવાડાના વ્યાધર ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે પ્રભાત ફેરી યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય