- યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મશુદ્ધીનો સંદેશ અપાયો
અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) સ્વસ્થ જીવનશૈલીના અભિન્ન અંગ તરીકે ધ્યાન અને યોગાભ્યાસને સ્થાન આપવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે.
યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. વિશ્વ ધ્યાન દિવસ-2024ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના વસ્ત્રાલ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સામુહિક ધ્યાન શિબિર યોજાઈ હતી.
અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નાગરિકો ધ્યાન અને યોગાભ્યાસમાં જોડાયા હતા. વસ્ત્રાલ સાઉથ ઝોનના રહીશોએ ગુજરાત યોગ બોર્ડના યોગસાધકો પાસેથી વિવિધ યોગાસનો તથા ધ્યાન પદ્ધતિનું માર્ગદર્શન મેળવી ધ્યાન અને યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા સંકલ્પ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ