સોમનાથ, 21 ડિસેમ્બર (હિ.સ.) સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આજે પ્રાંત કચેરી, વેરાવળ ખાતે દિશા (ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ સમિતિ) ની બેઠક યોજાઇ હતી. ધારાસભ્ય સર્વ ડો.પ્રદ્યુમન વાજા, કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલા મૂછાર, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લામાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.
બેઠકમાં વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાની સાથોસાથ જનસુખાકારીના કામોને અગ્રતા આપી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને સાંસદ રાજેશ ચુડાસમાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાંસદએ વિવિધ યોજનાઓની સમીક્ષા કરતા વિવિધ વિભાગોને લગતી જનકલ્યાણકારી યોજનાઓના લાભો તમામ જરૂરીયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્વિત કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
સાંસદએ મિશન મંગલમ, મનરેગા, દીનદયાળ અંત્યોદય યોજના, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ સે નલ, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ, વાજપેયી બેન્કેબલ યોજના, ખેતી, સિંચાઈ સહિત વિવિધ વિભાગની કેન્દ્રીય મંત્રીએ સૂક્ષ્મ સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિવિધ યોજનાઓમાં શું બાકી છે, સફળતા માટે શું વિઘ્ન છે, તેની સમીક્ષા કરી છેવાડાના માનવીને સરકારની કલ્યાણકારી યોજનાના લાભ મળે તે સુનિશ્વિત કરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમણે વિવિધ યોજનાઓની સમીક્ષા કરી આરસેટીનું નવું કેન્દ્ર જિલ્લામાં શરૂ થાય તે માટેની દરખાસ્ત કરવા માટેની જરૂરી સૂચનાઓ પણ આપી હતી. ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં કાર્યરત વિવિધ યોજનાઓ, યોજનાઓમાં થયેલી પ્રગતિ, બાકી કામો, લક્ષ્યાંક અને લક્ષ્યાંક સિધ્ધિની પાવરપોઇન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા રજૂઆત કરી હતી.
દિશા કમિટીની આ બેઠકમાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મહત્તમ લાભાર્થીઓને મળી રહે તે દિશામાં પ્રયાસ અંગે ચર્ચા કરાઇ હતી. વધુમાં તાલુકામાં માળખાકીય સુવિધાઓ અને વિકાસનાં કામોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ