વલસાડ,21 ડિસેમ્બર (હિ.સ.) વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની માસિક બેઠક મળી હતી. જેમાં જિલ્લાના પધાધિકારીઓએ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોની રજૂઆત કરી હતી. ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ, મતદાર નોંધણી બાબતે પારડી પ્રાંત અધિકારી, સામાજિક વનીકરણ વિભાગ, ડીજીવીસીએલ અને પોલીસ વિભાગને તેમજ વલસાડના ધારાસભ્ય ભરત પટેલે ડીજીવીસીએલ, નાયબ પશુ નિયામક અને બીએસએનએલના અધિકારીઓ સાથે પ્રજાલક્ષી પ્રશ્નો અને રજુઆતોની ચર્ચા કરી હતી.
ધારાસભ્યઓના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો. વધુમાં પ્રગતિશીલ કાર્યોને સત્વરે પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારીએ સૂચન કર્યું હતું અને અધ્યક્ષસ્થાનેથી જૂના પ્રશ્નોનું ફોલોઅપ લઈ સમીક્ષા કરવામાં આવી હતી. ભાગ-2 ની બેઠકમાં સુશાસન દિવસની ઉજવણી બાબતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તેમના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે