સુરત,21 ડિસેમ્બર (હિ.સ.) સુરતની ઉમરીગર સ્કુલના લાઈબ્રેરીયન દ્વારા ધોરણ 5ની બે વિદ્યાર્થીનીઓ સાથે બિભત્સ હરકતો કરી હતી. જોકે, આ શાળામાં 'ગુડ ટચ અને બેડ ટચ'ની સમજ આપી હોવાથી વિદ્યાર્થીનીઓએ વાલીઓને જાણ કરતા પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આ સાથે શહેરમાં બાળકીઓ પર જાતીય શોષણ કર્યું હોવાની ફરિયાદ બહાર આવી રહી છે. જેના કારણે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પહેલા 'ગુડ ટચ અને બેડ ટચ'નું બંધ કરાયેલું શિક્ષણ ફરીથી શરૂ કરવા માટે કવાયત શરૂ થઈ છે.
શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડીયાએ જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની સલામતી માટે સમિતિ કટીબદ્ધ છે. જેના કારણે સામાજિક સંસ્થાઓ સાથે મળીને ફરીથી શાળામાં 'ગુડ ટચ અને બેડ ટચ'નું શિક્ષણ આપવામાં આવે તે માટે વિચારણા કરવામાં આવી રહી છે. સમિતિના અધિકારીઓ સાથે વાટાઘાટ કરીને આગળની કામગીરી આગળ વધારવામાં આવશે. આ સમયમાં બાળકીઓ સાથે નાના બાળકોને પણ 'ગુડ ટચ બેડ ટચ'નું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે. તેથી ફરીથી સંસ્થાઓ ગરીબ બાળકોને વિના મુલ્યે 'ગુડ ટચ બેડ ટચ'નું શિક્ષણ આપવાની કામગીરી શરૂ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે