ભરૂચ/અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામમા ફરી એકવાર ડિગ્રી વગરનો જોલા છાપ ડોક્ટરનુ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં આમોદ પોલીસે માતર ગામમાંથી ડિગ્રી વગરના તબીબને ઝડપી પાડ્યો છે.જેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી અંકલેશ્વર, દહેજ, વાગરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર ડિગ્રી વગરના ડોકટરો ઝડપાઈ ચુક્યા છે.આવા ડિગ્રી વગરના બોગસ ડોકટરો યમરાજ સ્વરૂપ ગણી શકાય. કારણ કે આવા ડોકટરો જીવન દાન આપવા નહીં પરંતુ લોકોને મુત્યુ સુધી પહોંચાડી દેતા હોય છે. ત્યારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર બી કરમટીયાએ માહિતીના આધારે આમોદ તાલુકાના માતર ગામે અલોક અંનત બિસ્વાસ હાલ રહે ઓચ્છણ ગામ ભાડાના મકાનમાં મૂળ રહેવાસી કોનારપૂર ગામ અલોરજાતરી પ્રાથમિક સ્કૂલ પાસે તાલુકો સાઈનઠીયા જિલ્લો બિરભુમ પશ્ચિમ બંગાળના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.
કોઈપણ જાતની ડીગ્રી વગર આ ડોક્ટર ખાનગી દવાખાનું ખોલી મેડિકલ સારવારની પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરતો હતો જેની બાતમી આમોદ પોલીસને મળતા આમોદ પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ