- યોગ અને ધ્યાન એ મનમાંથી દુર્ગુણો દૂર કરવાનું એક માધ્યમ છે : શિવકૃપાનંદ સ્વામી
- યોગ અને ધ્યાનથી મન એકચિત્ત રહે છે અને લોકોના મન અને વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવે છે: શિવકૃપાનંદ સ્વામી
- ભારત અને સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે શિવકૃપાનંદ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન શિબિર યોજાઈ ગઈ. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને યોગપ્રેમી લોકોએ ધ્યાન શિબિરમાં સહભાગી થઈને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે શિવકૃપાનંદ સ્વામીએ ઉદબોધન કરતાં કહ્યું હતું કે, ધ્યાન એ દેશ અને વિદેશમાં ખૂબ જ પ્રચલિત છે. યોગ એ ધ્યાનનું જ એક માધ્યમ છે. યોગ અને ધ્યાન એ મનમાંથી દુર્ગુણો દૂર કરવાનું એક માધ્યમ છે. યોગ અને ધ્યાનથી મન એકચિત્ત રહે છે. ધ્યાન કરવાથી લોકો મન અને વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. વર્તમાનમાં રહેવું, જીવવું અને ચિતમગ્ન રહેવું તે ધ્યાનના માધ્યમથી જ શીખી શકાય છે. ધ્યાનના માધ્યમથી ભૂતકાળ અને ભવિષ્યની ચિંતામાંથી મુક્ત થઈ શકાય છે. ધ્યાનના માધ્યમથી પરમાત્માની અનુભૂતિ થાય છે. જ્યારે મન ખૂબ જ બધા વિચારોથી ઘેરાયેલું હોય ત્યારે ધ્યાનના માધ્યમથી તેને એક જગ્યાએ સ્થિર કરી શકાય છે. સૌ કોઈએ ધ્યાન અને યોગ કરવાની શરૂઆત કરવી જોઈએ. યોગ અને ધ્યાનમાં શરૂઆતમાં થોડો થોડો સમય આપી તે સમયને ધીરે ધીરે વધારી શકાય છે. આપણે સૌ પોતપોતાના કામમાં યોગ અને ધ્યાનથી પ્રગતિ કરી શકીએ છીએ, એવું તેમણે ઉમેર્યું હતું.
શિવકૃપાનંદ સ્વામીના માર્ગદર્શનમાં ઉપસ્થિત સૌ લોકોએ ધ્યાન સાધના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના સૂચન અને પ્રયાસોના પરિણામે યુનાઈટેડ નેશન્સ (UN) દ્વારા 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે ભારત અને સમગ્ર વિશ્વમાં સૌપ્રથમવાર ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ