પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.)
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ અને જાગ્રુત ગ્રાહક મંડળ, પાટણ દ્વારા આદર્શ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજ કેમ્પસ ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો હતો.
આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક ભરતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે જાગ્રુત ગ્રાહક મંડળના પ્રતિનિધી ડૉ. રોનકભાઈ મોદી હાજર રહ્યા હતા. બંને મહેમાનને કોલેજના આચાર્ય અને અધ્યાપકોએ પુસ્તક અર્પણ કરીને સ્વાગત કર્યું.
ડૉ. રોનકભાઈ મોદીએ ગ્રાહક જાગૃતિ વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપી. તેમણે ડિજિટલ યુગમાં વધતી ઓનલાઈન છેતરપીંડી અંગેની સતર્કતા અને સાવધાની અંગે માર્ગદર્શન આપ્યું, તેમજ ગ્રાહક અધિકારો અને ફરિયાદ કરવાના વિકલ્પો પર વર્ણન કર્યું.
ભરતભાઈ ચૌધરીએ સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનો મહત્ત્વ અને દેશની આર્થિક પ્રગતિ માટેના ફાયદા વિશે સમજાવ્યું. સાથે જ, સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાનો અને ચાઈનીઝ દોરી અને ટુક્કલ ન વાપરવા પર ભાર મુક્યો. આ પ્રેરક સેમિનારમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર