મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારેડકો દ્વારા આયોજિત, પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લીધી
ગાંધીનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે અમદાવાદ નેશનલ રિયલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) દ્વારા સૌપ્રથમ વાર આયોજિત વિશાળ પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું ક
પ્રોપર્ટી ફેસ્ટ


પ્રોપર્ટી ફેસ્ટ


ગાંધીનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) :

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે અમદાવાદ નેશનલ રિયલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) દ્વારા સૌપ્રથમ વાર આયોજિત વિશાળ પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ધ્યેય છે કે, દેશમાં દરેક લોકોને માથે છત મળે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી એ એફોર્ડેબલ હાઉસિંગનો અર્થ સમજાવી કહ્યું કે, નાનામાં નાના માણસને પણ પોસાય તેવા ભાવે પોતીકું મકાન મેળવવા પ્રધાનમંત્રી આવાસ યોજનાને વડાપ્રધાને પ્રાથમિકતા આપી છે.

વધુમાં મુખ્યમંત્રી એ વડાપ્રધાન દ્વારા વર્ષ 2025 સુધીમાં, ટી.બી. મુક્ત ભારતના કરેલા નિર્ધારમાં સૌને જોડાવા આહ્વાન કર્યું હતું. આ આહ્વાનનો ત્વરિત પ્રતિસાદ આપતાં નારેડકોએ પાંચ હજાર પોષણ કિટની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી એ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં સૌ સહભાગી થાય તેવી અપીલ કરી હતી.

આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, સ્થિર સરકાર અને વિઝનરી લીડરશિપને કારણે ગુજરાત આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં જળવાઈ રહી છે, તેવું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, આજે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટી સંખ્યામાં રોકાણો થઈ રહ્યાં છે, જે દર્શાવે છે કે ગુજરાત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ધરાવતું રાજ્ય છે. મંત્રી એ ગ્રીન ગુજરાત અને ગ્લોબલ ગુજરાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી દિવસોમાં ગુજરાત વિકાસની નવી સીમાઓ પાર કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રી જગદીશ વિશ્વકર્માએ સહિતના મહાનુભાવોએ પ્રોપર્ટી ફેસ્ટમાં વિવિધ રીઅલ એસ્ટેટ ગ્રૂપના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને 360° ડિગ્રી અમદાવાદનો શો નિહાળ્યો હતો.

કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના નેજા હેઠળની NAREDCO સંસ્થા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય પ્રોપર્ટી ફેસ્ટ રોકાણકારો, ઘર ખરીદનારાઓ અને પ્રોપર્ટીમાં રસ ધરાવનારા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વધુમાં આ પ્રોપર્ટી ફેસ્ટમાંથી પ્રોપર્ટી ખરીદનારને 0% સ્ટેમ્પ ડયુટીનો લાભ મળશે. આ પ્રોપર્ટી ફેસ્ટમાં 60થી વધુ રીઅલ એસ્ટેટ ગ્રૂપે ભાગ લીધો હતો અને 400થી પણ વધુ પ્રોપર્ટીઓ દર્શાવવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય હસમુખભાઈ પટેલ, NAREDCOના નેશનલ ચેરમેન નિરંજન હીરાનંદાની, પ્રેસિડેન્ટ હરિબાપુ, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ સુરેશ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ ભાવસાર, સેક્રેટરી શ્રી દીપક પટેલ સહિતના સભ્ય ઓ અને સંસ્થા સાથે જોડાયેલા લોકો અને મોટી સંખ્યામાં રિઅલ એસ્ટેટના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande