વડોદરા, 22 ડિસેમ્બર (હિ.સ.)-ડિજિટલ એરેસ્ટના નામે વડોદરામાં વધુ એક સિનિયર સિટિઝનને ડરાવી ઠગ ટોળકીએ રૃ.1.60 કરોડ પડાવી લીધા હોવાનો કિસ્સો બનતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.
મુંબઇના બોલીવલી ઇસ્ટ વિસ્તારના સિનિયર સિટિઝન ખાનગી કંપનીના અધિકારી હતા અને છેલ્લા કેટલાક સમયથી વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહે છે.ગઇ તા.૧૫મી સપ્ટેમ્બરે તેમના પર ટ્રાઇ.. ના નામે કોલ આવ્યો હતો અને જો તમે રાષ્ટ્ર વિરોધી કામ નથી કરતા તો ૧ નંબર દબાવો તેમ કહ્યું હતું.જેથી તેમણે ૧ નંબર દબાવતાં તેમને એક મેસજ આવ્યો હતો અને તેમાં અંધેરી વેસ્ટમાં તમારી સામે ફરિયાદ છે તેમ લખેલું હતું.
સિનિયર સિટિઝનને પોર્નોગ્રાફીનો ધંધો કરો છો તેમ પણ કહેવાયું હતું અને ત્યારબાદ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં જઇ અરજી કરવા કહ્યું હતું.હું ચાલી શકતો નથી તેમ કહેતાં મને ડીસીપી આનંદ રાણે સાથે વાત કરાવવામાં આવી હતી.તેમણે ૨૮૭ કરોડના મની લોન્ડરિંગ કેસમાં તમારું નામ છે તેમ કહી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.મને બહાર કોઇને કહેશો તો તમારી જાનને ખતરો છે તેમ કહી સુપ્રીમ કોર્ટનો લેટર મોકલ્યો હતો.
સિનિયર સિટિઝને કહ્યું છે કે,ત્યારબાદ મને સાત દિવસ સુધી એરેસ્ટ રાખી વીડિયો કોલ પર વાત કરતા હતા.ડીસીપીએ દિલ્હીના એક મોટો વકીલ કરી આપું છું તેમ કહી રાકેશ સાથે વાત કરાવી હતી.રાકેશે તમામ કેશ વેરિફિકેશન કરાવી હતી અને તેના કહેવાથી એફડી પણ તોડાવી હતી.ત્યારબાદ મને બેન્કમાં મોકલ્યો હતો અને તેણે આપેલા બેન્ક એકાઉન્ટ નંબર પર તબક્કાવાર રીતે કુલ રૃ.1.60 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા અને પછીથી સંપર્ક કાપી નાંખ્યો હતો.જેથી મને શંકા જતાં સાયબર સેલને જાણ કરી હતી.
સિનિયર સિટિઝને કહ્યું છે કે,મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે વાત કરનાર આનંદ રાણે એ સુપ્રીમ કોર્ટના નામે એક પત્ર મોકલ્યો હતો.જેમાં લખ્યું હતું કે,તમારું નામ એમડી મલિક ગુ્રપના મની લોન્ડરિંગ કેસમાં ખૂલ્યું છે.
જો નીચે મુજબની શરતનો ભંગ કરશો તો તમને 3 થી 7 વર્ષની જેલ થશે.જેથી આ પત્ર જોઇને હું ગભરાઇ ગયો હતો અને ઠગોએ કહ્યું તે મુજબ કરતો ગયો હતો.
ડિજિટલ એરેસ્ટ જેવી કોઇ જ સિસ્ટમ નહિ હોવાની વારંવાર જાહેરાત કરવામાં આવે છે અને તેમ છતાં લોકો આસાનીથી ઠગોની જાળમાં ફસાઇ જતા હોય છે.ખુદ વડાપ્રધાન, રાજ્યના પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનરે પણ વારંવાર ડિજિટલ એરેસ્ટથી સાવધ રહેવા તાકીદ કરી છે તેમ છતાં ઠગો ફાવી જતા હોવાના કિસ્સા બની રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે