જિલ્લાના આઇકન્સ અને ઈન્ફ્લુએન્સર્સની બેઠક યોજાઈ
છોટાઉદેપુર, 17 એપ્રિલ(હિ. સ.). લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં છોટાઉદેપુર જિલ્લ
ઈન્ફ્લુએન્સર્સની બેઠક


છોટાઉદેપુર, 17 એપ્રિલ(હિ. સ.). લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં છોટાઉદેપુર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા દ્વારા મતદાર જાગૃત્તિ અર્થે અભિનવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના આઇકન્સ અને ઈન્ફ્લુએન્સર્સની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આઇકન્સ અને ઈન્ફ્લુએન્સર્સને જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં સહભાગી થવા અપીલ કરીને વધુમાં વધુ લોકો સહપરિવાર મતદાન કરે તથા લોકશાહીના આ સૌથી મોટા પર્વને સૌ હર્ષોલ્લાસથી ઉજવે તેવું વાતાવરણ ઉભું કરવામાં સહભાગી થવા જણાવ્યું હતું. સચિન કુમારે મતદાનના દિવસે મતદાર ફોટો ઓળખકાર્ડની અવેજીમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, એન પી આર (નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર) અન્વયે આરજીઆઈ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખ પત્રો, સંસદ સભ્યો/ ધારાસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને ઇશ્યૂ કરેલા સરકારી ઓળખપત્રો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ યુનિક ડિસેબીલીટી આઈડી કાર્ડ સહિતના ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ પણ એક દસ્તાવેજ રજૂ કરીને પણ મતદાન કરી શકાય છે તેમ જણાવીને ચૂંટણી દરમિયાન મતદારોને ચૂંટણી બાબતે મુંજવતા પ્રશ્નોના નિવારણ માટે “૧૯૫૦” વોટર્સ હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં કોઈ નાગરિકને આચારસંહિતા ભંગ થતો હોય તેવું જણાય તો સી-વિજીલ એપ્લિકેશન પર ફોટો/વીડિયો સહિતની વિગતો અપલોડ કરીને ઓનલાઇન ફરિયાદ કરવા જણાવીને લોકશાહીના આ અવસરને મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં ઉજવવામાં અપીલ કરી હતી.

આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, ત્રીદેવી સિસોદિયા, નાયબ કલેકટરશ્રી એ. જી. ગામીત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આનંદકુમાર પરમાર, આઇકન્સ અને ઈન્ફ્લુએન્સર્સ મઘીબેન રાઠવા, ભરતભાઇ રાઠવા તથા અર્ચનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ બિનોદ


 rajesh pande