વલસાડ જિલ્લામાં સીવીજીલ એપ પર આચારસંહિતા સંબંધિત 10 દિવસમાં 46 ફરિયાદ
સુરત, 25 એપ્રિલ(હિ. સ.)-લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 અન્વયે વલસાડ જિલ્લામાં પાંચ બેઠક ઉપર તા. 7 મે 2
વલસાડ જિલ્લામાં સીવીજીલ એપ પર આચારસંહિતા સંબંધિત 10 દિવસમાં 46 ફરિયાદ


સુરત, 25 એપ્રિલ(હિ. સ.)-લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 અન્વયે વલસાડ જિલ્લામાં પાંચ બેઠક ઉપર તા. 7 મે 2024ના રોજ મતદાન થનાર છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લામાં આદર્શ આચારસંહિતાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ 24ƒ7 કોલ સેન્ટર કાર્યરત છે. જેમાં 10 દિવસમાં સી વીજીલ એપ પર 46 ફરિયાદ અને હેલ્પલાઈન નં. 1950 નંબર પર મતદાન કાર્ડ વિશેના 511 કોલ આવ્યા છે. જ્યારે ટોલ ફ્રી નંબર પર માત્ર એક જ કોલ આવ્યો છે.

જિલ્લાની પાંચ બેઠક પર આદર્શ આચારસંહિતાની ચૂસ્ત અમલવારી થાય અને આ દરમિયાન કોઈ વિસ્તારમાં આચારસંહિતાનો ભંગ થાય તો સીવીજીલ એપ પર ફરિયાદ કરી શકાય છે. મતદારોને ચૂંટણી કાર્ડ સંબંધિત જે પણ ફરિયાદ હોય તો હેલ્પલાઈન નં. 1950 પર ફોન કરી શકાય છે. આ સિવાય ટોલ ફ્રી નં. 1800 233 0601 પર ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદ કરી શકાય છે. તા. 16 માર્ચ થી 25 માર્ચ 2024 સુધીમાં સી વીજીલ એપ પર 46 ફરિયાદો મળી હતી જેમાંથી 39 ફરિયાદનો ઉકેલ આવ્યો હતો જયારે આચારસંહિતા ભંગને લગતી ન હોય તેવી કુલ 7 ફરિયાદો રદ કરવામાં આવી હતી. કુલ 46 ફરિયાદોમાં મોટા ભાગની ફરિયાદો રાજકીય પાર્ટી તેમજ ઉમેદવારોના પોસ્ટરો/બેનરો અને ઝંડીઓ લગાવવા સંબંધિત હતી.

હેલ્પલાઈન નં. 1950 પર મતદારો તરફથી ચૂંટણી કાર્ડ સંબંધિત કુલ 511 કોલ આવ્યા હતા. જેમાં ચૂંટણી કાર્ડમાં નામ, સરનામુ, જન્મ તારીખ, નવા મતદાન કાર્ડનું સ્ટેટસ જાણવુ, લગ્ન બાદ પિતાને બદલે પતિનું નામ સહિતની માહિતી મેળવવા અંગેના કોલ વધારે આવ્યા હતા. ટોલ ફ્રી નં. 1800 233 0601 પર મતદાનના દિવસે સમય અંગેનો કોલ આવ્યો હતો. આ એક કોલ સિવાય અત્યાર સુધીમાં બીજા કોઈ કોલ ટોલ ફ્રી નંબર પર આવ્યા નથી. વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિથી સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/બિનોદ


 rajesh pande