કલકતા, નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર (હિ.સ.). આરજી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા અને હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય, જોહર સરકારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું અને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીને લાંબો પત્ર લખીને તેમણે આ મામલે રાજ્ય સરકારના વલણની આકરી નિંદા કરી છે.
જોહર સરકાર, આરજી કર હોસ્પિટલ સંબંધિત ઘટનાઓ સામે અવાજ ઉઠાવનાર પ્રથમ નેતા નથી. આ પહેલા તૃણમૂલના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાયે પણ, આ મામલે પાર્ટીના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ, પહેલીવાર શાસક પક્ષના સાંસદે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.
મમતા બેનર્જીને લખેલા પત્રમાં જોહર સરકારે કહ્યું કે, મેં છેલ્લા એક મહિનાથી આરજી કાર હોસ્પિટલની ઘૃણાસ્પદ ઘટના સામે દરેકની પ્રતિક્રિયા જોઈ છે અને મને આશ્ચર્ય થયું છે કે તમે જૂના મમતા બેનર્જીની જેમ જુનિયર ડૉક્ટરો સાથે સીધી વાત કેમ નથી કરી રહ્યા. હવે સરકાર દ્વારા જે પણ સત્તાવાર પગલાં લેવામાં આવી રહ્યા છે, તે ખૂબ ઓછા અને ખૂબ જ મોડેથી લેવામાં આવ્યા છે.
આ પહેલા મમતા બેનર્જીએ આ આંદોલનને ડાબેરીઓ અને ભાજપ દ્વારા સમર્થિત ગણાવ્યું હતું. આ જ માર્ગ પર ચાલીને તૃણમૂલના અન્ય નેતાઓએ પણ આ આંદોલનને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. આ વલણની નિંદા કરતા જોહર સરકારે લખ્યું કે, આ આંદોલનમાં સામેલ લોકો બિનરાજકીય અને સ્વયંભૂ વિરોધ કરી રહ્યા છે. તેથી આ આંદોલન પર રાજકીય લેબલ લગાવવું યોગ્ય રહેશે નહીં. આ લોકોને રાજનીતિ પસંદ નથી. તેઓ માત્ર ન્યાય અને સજાની માંગ કરી રહ્યા છે.
જોહર સરકારના આ પગલા બાદ, તૃણમૂલ કોંગ્રેસમાં એક નવો પડકાર ઉભો થયો છે, જે આવનારા દિવસોમાં પાર્ટીની રાજકીય સ્થિતિ પર મોટી અસર કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર/ઓમ પરાશર/સંજીવ પાશ / ડો. માધવી
---------------
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ