કાઠમંડુ, નવી દિલ્હી, 14 જાન્યુઆરી (હિ.સ.) ભારત અને નેપાળની સેનાઓ વચ્ચે ૩૧ ડિસેમ્બરથી ચાલી રહેલ સંયુક્ત લશ્કરી કવાયત 'સૂર્યકિરણ', ૧૩ જાન્યુઆરીના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. તેનું આયોજન રુપન્દેહી જિલ્લાના સલઝંડીમાં કરવામાં આવ્યું હતું. સંયુક્ત લશ્કરી કવાયતના સમાપન સમારોહમાં, ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ પ્રદીપ જંગ કેસીએ લશ્કરી કવાયતને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં તમામ સંબંધિત એજન્સીઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો.
બંને દેશોના કુલ 668 લશ્કરી જવાનોએ આ કવાયતમાં ભાગ લીધો હતો જેમાં નેપાળી ટુકડીનું નેતૃત્વ, લેફ્ટનન્ટ કર્નલ નિરંજન કટવાલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ભારતીય સેનાનું નેતૃત્વ, કર્નલ જપેન્દ્ર પાલ સિંહ નોકિયા દ્વારા કરવામાં આવ્યું હતું. લેફ્ટનન્ટ જનરલ કેસીએ, કવાયત દરમિયાન બંને દેશોની લશ્કરી ટીમો દ્વારા દર્શાવવામાં આવેલી વ્યાવસાયિક ક્ષમતા, ઉચ્ચ સ્તરની સમર્પણ અને સામૂહિક પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.
સંયુક્ત કવાયતના નિર્દેશક બ્રિગેડિયર જનરલ સૂરજ ગુરુંગે, સંયુક્ત કવાયત અંગે બ્રીફિંગ આપ્યું હતું, જ્યારે તેમના ભારતીય સેનાના સમકક્ષ ગોવિંદન પ્રવીણે, કવાયતના નિરીક્ષક વતી પોતાનું નિવેદન આપ્યું હતું. નેપાળ સેનાના જણાવ્યા અનુસાર, આ સંયુક્ત કવાયતમાં આપત્તિ વ્યવસ્થાપન, આતંકવાદ વિરોધી યુદ્ધ, જંગલ યુદ્ધ અને માનવતાવાદી સહાય જેવા વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા.
નેપાળ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે નેપાળ અને ભારતમાં વારાફરતી યોજાનારા આ અભ્યાસ બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ અને પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવશે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ