- રાજ્યભરની 34 સંસ્કૃત કોલેજના 700 થી વધુ વિદ્યાર્થીઓ મહોત્સવમાં લેશે ભાગ
અંબાજી, 02 જાન્યુઆરી (હિ.સ.) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળનો 18 મો યુવક મહોત્સવ 3 થી 5 જાન્યુઆરી દરમિયાન અંબાજી ખાતે યોજાશે. આ મહોત્સવમાં રાજ્યભરની 34 સંસ્કૃત કોલેજોના 700 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. મહોત્સવમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત કુલ 29 પ્રકારની સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નવા પુસ્તકોનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
મહોત્સવના ઉદ્ઘાટન દિવસે સવારે શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયથી શક્તિદ્વાર થઈ ઉદ્ઘાટન સમારોહ સ્થળ સુધી સુંદર સંસ્કૃત શોભાયાત્રા યોજાશે. ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. હરેકૃષ્ણ શતપથી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.આ મહોત્સવનું આયોજન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું એક ઉત્તમ પહેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ