હૈદરાબાદ, નવી દિલ્હી, 21 જાન્યુઆરી (હિ.સ). આવકવેરા વિભાગની ટીમે, પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને તેલંગાણા ફિલ્મ વિકાસ નિગમ (ટીએફડીસી) ના ચેરમેન, દિલ રાજુના પરિસર સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. અધિકારીઓ નાણાકીય વ્યવહારો સંબંધિત વિવિધ દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે. તેમના ઘરો અને ઓફિસોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, પ્રખ્યાત પ્રોડક્શન કંપની માઈથ્રી મૂવીઝના કાર્યાલય અને ફિલ્મ 'પુષ્પા-2'ના નિર્માતા નવીન એર્નેનીના નિવાસસ્થાનની પણ તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગની 55 ટીમોએ એક સાથે આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગની એક ટીમ જુબિલી હિલ્સ અને બંજારા હિલ્સ વિસ્તારોમાં સ્થિત દિલ રાજુ, તેના ભાઈ સિરીશ અને પુત્રી હંસિતા રેડ્ડીના નિવાસસ્થાનોની તપાસ કરી રહી છે. ફિલ્મ નિર્માતા દિલ રાજુની પત્ની વૈગરેડ્ડીને કારમાં બે અન્ય સ્થળોએ લઈ ગયા. અધિકારીઓ તેના બેંક લોકરની તપાસ કરવા ગયા અને પછી તેને ઘરે લાવ્યા. દિલ રાજુની બાંધકામ કંપની પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના વ્યવસાયિક ભાગીદારોના નિવાસસ્થાનો પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ તેના નાણાકીય વ્યવહારો સંબંધિત વિવિધ દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતા દિલ રાજની પત્નીએ મીડિયાને જણાવ્યું કે, આવકવેરા અધિકારીઓ તેમને તેમનું બેંક લોકર ખોલવા માટે લઈ ગયા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓ વહેલી સવારથી તેમના નિવાસસ્થાને તપાસ કરી રહ્યા છે. આઇટી વિભાગના અધિકારીઓએ બેંક વિગતો માંગી છે. બેંક લોકર પણ ખોલીને બતાવવામાં આવ્યા છે. દિલ રાજુની પત્નીએ કહ્યું કે, તેઓ આવકવેરા વિભાગને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
એવું માનવામાં આવે છે કે, આવકવેરા વિભાગ દ્વારા આ દરોડા અઘોષિત આવક અને નાણાકીય અનિયમિતતા સંબંધિત બાબતોના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે. દિલ રાજુ અને તેના વ્યવસાયિક ભાગીદારોના નાણાકીય વ્યવહારોના વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. નિર્માતા દિલ રાજુનું શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ નામનું પ્રોડક્શન હાઉસ છે. તે એક ફિલ્મ નિર્માતા અને વિતરક પણ છે. આ ઉપરાંત, આવકવેરા વિભાગે ફિલ્મ 'સંક્રાન્તિકી વાસ્તુનમ'ના નિર્દેશક અનિલ રવિપુડીની ઓફિસ પર પણ દરોડા પાડ્યા છે. દિલ રાજુની ફિલ્મ 'સંક્રાન્તિકી વાસ્તુનમ', સારી કમાણી કરીને રેકોર્ડ તોડી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / નાગરાજ રાવ / સુનિલ કુમાર સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ