ભુજ/અમદાવાદ,7 જાન્યુઆરી (હિ.સ.) ભુજથી 25 કિલોમીટર દૂર પૂર્વ દિશાએ આવેલા અંતરિયાળ કંઢેરાઈ ગામે સોમવારે બોરવેલમાં યુવતી પડી ગઈ હતી. યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની યુવતી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.રેસ્ક્યૂ ટીમો સતત 27 કલાકથી વધુ સમયથી યુવતીને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. બોરવેલમાં હજુય યુવતી ફસાયેલી છે.
ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. ગાંધીનગરથી પણ એનડીઆરએફ ની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે. જોકે, ચિંતાની વાત એ છે કે, સોમવારે સવારે યુવતીનો અવાજ આવ્યાં બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, પરંતુ રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી ફરી છટકી છતાં બોરવેલ નીચે પડી ગઈ હતી. જોકે, હાલ યુવતી 100 ફૂટ જ દૂર છે. નજીકના સમયમાં જ યુવતી બહાર આવે તેવી શક્યતાં છે.
ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હાલ યુવતીને બોરવેલમાં 100 દૂરના અંતર સુધી લવાઈ છે, બહાર લાવવા માટેની રેસ્ક્યુ કામગીરી ચાલુમાં છે. નજીકના સમયમાં બહાર આવે તેવી શકયતા દેખાઈ રહી છે.
એનડીઆરએફ,બીએસએફ, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી રહી હતી. ત્યારે યુવતીને નીચેથી ઉપર લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન માત્ર 60 ફુટ બાકી હતા, ત્યારે જ અડચણ આવતા રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી ફરી બોરવેલમાં નીચે પડી ગઈ હતી.
સોમવારે રાત્રે 9.30 વાગ્યે ભુજ તાલુકા મામલતદાર શર્મા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, સાત વાગ્યાથી એનડીઆરએફની ટીમ દ્વારા બોરવેલ ફરતે લોખડનું સ્ટ્રેકચર બનાવી ખાસ પ્રકારના ગાળીયાને બોરવેલની અંદર શિફ્તપૂર્વક ઉતારવાની કામગીરી ચાલી રહી છે, જો આ ગાળિયો યુવતી સુધી પહોંચી જાય અને તેમાં તેને જકડી લેવામાં આવે તો બહાર લાવી શકાય, પરંતુ આ કાર્ય કઠિન છે, તેથી ટીમ દ્વારા બચાવના પ્રયાસો સતત ચાલુ છે. આ માટે ક્યારે સફળતા મળે તે કહી શકાય એમ નથી.
સૂત્રોના જણાવ્યાં મુજબ યુવતીના પિતરાઈ ભાઈને એલસીબી ટીમ પૂછપરછ માટે ભુજ કચેરીએ સાથે લઈ ગઈ છે અને બનાવ અંગેની સત્યતા જાણવા પ્રયાસો કરી રહી છે.
આ અંગે એલસીબી પીઆઇ ચુડાસમા સાથે વાત કરતા તેમણે આ વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, ઘટનાસ્થળે બેસવાની કે મોબાઈલ ફોન ચાર્જની યોગ્ય વ્યવસ્થા ના હોય બનાવ કેવી રીતે બન્યો તે માટે પૂછપરછ કરવા હેતુ યુવતીના ભાઈને સાથે લાવવામાં આવ્યો છે.
ઘટનાની ગંભીરતાને લઇ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, બોરવેલમાં મૂકેલા કેમરામાં યુવતી અંદાજિત 500 ફૂટ ઉંડે ફસાઇ હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે, ભોગ બનનાર યુવતી જીવે છે કે નહીં તે અંગે યુવતીની મુવમેન્ટ તપાસવાની કામગીરી હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. યુવતીની સ્થિતિ જાણ્યા બાદ વધુ કામગીરી શરૂ કરાશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ