મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, સેન્ચ્યુરીયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટયૂશન્સને સન્માનિત કર્યા
- ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ શાખા દ્વારા 'પ્રાઈડ ઓફ અમદાવાદ' એવોર્ડ સમારોહ 2023-24 યોજાયો અમદાવાદ,8 જાન્યુઆરી (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના 'પ્રાઈડ ઓફ અમદાવાદ' એવોર્ડ સમારોહ 2023-24માં ઉ
Chief Minister Bhupendra Patel felicitated Centurion Blood Donors and Star Blood Donor Institutions


- ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ શાખા દ્વારા 'પ્રાઈડ ઓફ અમદાવાદ' એવોર્ડ સમારોહ 2023-24 યોજાયો

અમદાવાદ,8 જાન્યુઆરી (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના 'પ્રાઈડ ઓફ અમદાવાદ' એવોર્ડ સમારોહ 2023-24માં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન અજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સેન્ચ્યુરીયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટયૂશન્સના સન્માન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સેવા, સત્કર્મો અને દાનનું મહત્વ આપણે સૌ સુપેરે જાણીએ છીએ. બધા જ દાનમાં રક્તદાન સૌથી મહત્વનું અને મહામૂલું દાન છે. સો કે તેથી વધુ વખત રક્તદાન કરવું એ અત્યંત ગૌરવપૂર્ણ બાબત અને સત્કાર્ય છે.

આવા શતકવીર રક્તદાતાઓ ખરા અર્થમાં યોદ્ધાઓ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

રેડક્રોસના વિવિધ ઉપક્રમો અને સેવાઓ વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અજય પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય ક્ષેત્રે રાહત દરે વિવિધ સેવાઓ અને નવીન ઉપક્રમો થકી રેડક્રોસ, ગુજરાત સતત સમાજસેવા માટે પ્રયાસરત છે. આજે રેડ ક્રોસ રાહત દરે પેથોલોજી ટેસ્ટ, જેનરિક દવાઓ, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી સેવાઓ પૂરી પાડી રહ્યું છે. એટલું જ નહિ, રાજ્યના દરેક જિલ્લામાં બ્લડ બેન્કની વ્યવસ્થા થકી નાગરિકોને ત્વરિત રક્ત સહાય મળી રહે તે માટે પણ રેડક્રોસ કામગીરી કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ આપીને ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. રાજ્યમાં આયુષ્માન કાર્ડ હેઠળ મળતી સહાય પાંચ લાખથી વધારીને દસ લાખ કરવામાં આવી છે.

વડાપ્રધાનના માર્ગદર્શનમાં આજે સમાજને નિરામય રાખવા માટે યોગથી આયુષ્યમાન સુધીના પ્રકલ્પો અમલી બનાવવામાં આવ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનના 'યહી સમય હે, સહી સમય હે' સૂત્રને દોહરાવીને વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સેન્ચ્યુરીયન બ્લડ ડોનર્સ, શેરદિલ રક્તદાતાઓ તથા સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટયૂશન્સનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પાંચ મહિલા શતકવીર રક્તદાતાઓ પણ સમાવિષ્ટ છે. વધુમાં, આ પ્રસંગે 'અમદાવાદ રેડ ક્રોસ - પ્રાઈડ ઓફ ગુજરાત' પુસ્તકનું પણ આ પ્રસંગે વિમોચન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande