સુરત,8 જાન્યુઆરી (હિ.સ.) સુરતના પુણા પોલીસ મથકની હદમાં પુણા કુંભારીયા રોડ આઈમાતા ચોક અભિલાષા હાઈટસમાં છ મહિનાથી જેનીથ હોટલ-ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી મહિલા સંચાલક, ત્રણ ગ્રાહકને ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂ.21,050, ત્રણ મોબાઈલ ફોન અને 8 કોન્ડોમ મળી કુલ રૂ.56,050 નો મુદ્દામાલ કબજે કરી છ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી.જયારે મહિલા સંચાલકના પુત્ર અને તેના મિત્ર તેમજ હોટલની જગ્યાના મૂળ માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પીઆઈ એ.એન.ગાબાણી અને સ્ટાફે ગતસાંજે પુણા પોલીસ મથકની હદમાં પુણા કુંભારીયા રોડ આઈમાતા ચોક પાસે અભિલાષા હાઈટસના પહેલા માળે દુકાન નં.43 થી 47 માં બનાવેલા જેનીથ હોટલ-ગેસ્ટ હાઉસમાં રેડ કરી હતી.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને ત્યાં એક રૂમ માંથી ત્રણ ભારતીય મહિલા બેસેલી મળી હતી.જયારે અન્ય ત્રણ રૂમમાંથી ત્રણ ભારતીય મહિલા અને ત્રણ પુરુષ કઢંગી હાલતમાં મળ્યા હતા.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ત્યાંથી મહિલા સંચાલક સુરૈયા ઉર્ફે આસમા ફારૂક શેખને ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂ.21,050, રૂ.35 હજારની મત્તાના ત્રણ મોબાઈલ ફોન અને 8 કોન્ડોમ મળી કુલ રૂ.56,050 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મહિલા સંચાલક સુરૈયા ઉર્ફે આસમા ફારૂક શેખની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે છ મહિના અગાઉ આ હોટલની જગ્યા મૂળ માલિક ગૌરાંગ કિશોર દેસાઈ પાસેથી ભાડે રાખી પુત્ર શાહરૂખ અને તેના મિત્ર અજયગીરી મેઘનાથી સાથે મળી કુટણખાનું ચલાવતી હોવાની કબૂલાત કરી હતી.
તેની પુછપરછમાં વધુમાં જાણવા મળ્યું હતું કે શાહરુખ અને તેનો મિત્ર અજયગીરી લલનાઓને હોટલમાં મોકલી ગ્રાહકોને બોલાવી રૂમમાં મોકલતો હતો.તેઓ ગ્રાહક પાસેથી શરીરસુખ માણવા માટે રૂ.1 હજાર લઈ લલનાને રૂ.500 આપતા હતા.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે આ અંગે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મહિલા સંચાલક અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી હતી.જયારે મહિલા સંચાલકના પુત્ર અને તેના મિત્ર તેમજ હોટલની જગ્યાના મૂળ માલિકને વોન્ટેડ જાહેર કરી ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે