



- 1500 થી વધુ ભક્તોની મહેનતથી તૈયાર કરવામાં આવ્યો
અમદાવાદ, 22 ઓક્ટોબર (હિ.સ.): સનાતન હિંદુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષના પ્રારંભે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. સ્વાદ, સુગંધ અને પ્રભુપ્રેમથી તરબોળ અનેકવિધ વાનગીઓનો રસથાળ ભગવાનને ધરાવીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટની ઉજવણીમાં લાખો ભક્તો, સહયોગીઓ સામેલ થઈ રહ્યા છે.
આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ, અમદાવાદ ખાતે ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200 થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કરી સૌએ ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો.
આ ભવ્ય અન્નકૂટની તૈયારીઓ છેલ્લાં 45 દિવસથી ચાલી રહી હતી. સમગ્ર અન્નકૂટની મંદિરમાં મૂર્તિઓ સમક્ષ ગોઠવણીને કુશળ આર્કિટેક્ટસ્ ના માર્ગદર્શન હેઠળ અત્યંત ઝીણવટપૂર્વક આયોજિત કરવામાં આવી હતી, જેમાં અન્નકૂટમાંની જે તે વાનગીઓને તેઓના પ્રકાર, સંખ્યા અને રંગ અનુસાર વર્ગીકૃત કરી ભગવાન સમક્ષ ગોઠવવામાં આવી હતી.
પૂજ્ય સંતો ઉપરાંત સમગ્ર અમદાવાદમાંથી સેંકડો યુવકો, પુરુષ હરિભક્તો ઉપરાંત 1500 કરતાં વધુ યુવતીઓ અને મહિલા હરિભક્તો દ્વારા છેલ્લાં એક મહિનામાં નિયમિતરૂપે દિવાળી અને અન્નકૂટને લગતી અનેકવિધ સેવાઓમાં ભક્તિસભર શ્રમદાન કરવામાં આવ્યું હતું.
અન્નકૂટ પ્રસાદનું વિતરણ ભક્તો અને દર્શનાર્થીઓની સાથે શહેરના અનેક મંદિરોમાં તથા અનેક ગરીબ, જરૂરિયાતમંદ લોકોમાં કરવામાં આવશે.
અન્નકૂટની સાથે સાથે સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિના અજવાળાં પ્રસરાવી રહેલાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વૈશ્વિક કાર્યને ઉજાગર કરતી ' પ્રમુખસ્વામીના પગલે પગલે 'પ્રદર્શનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો સૌ અન્નકૂટ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.
આજે ઠાકોરજી સમક્ષ યોજાયેલ આ ભવ્ય અન્નકૂટના દર્શન સવારે 10:30 થી સાંજના 7 વાગ્યા સુધી કરી શકાશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ