
ગાંધીનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત રાજ્યનું સૌપ્રથમ 12 માળનું હાઇ રાઇઝ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન-કમ-રેસિડેન્સી ગાંધીનગરમાં આકાર લેવા જઈ રહ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ, 3 ફ્લોર પર પોલીસ સ્ટેશન અને બાકીના 8 માળ પર પોલીસ પરિવારને રહેવા માટે 2BHK ફ્લેટ બનાવાશે.
અંદાજિત 20 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનારા આ પ્રોજેક્ટને ગૃહ વિભાગ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ મહિનાના અંત સુધી ટેન્ડરપ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાશે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનું આ હાઈ રાઇઝ 'મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન-કમ-રેસિડેન્સી' ધોળાકૂવા મેટ્રો સ્ટેશનથી સ્વામિનારાયણધામ સ્કૂલ તરફ જવાના રોડ પરની એક વીઘા જગ્યામાં વર્ષ 2026 એટલે કે આવતી દિવાળી સુધીમાં કાર્યરત કરી દેવાનું આયોજન છે.
લોકોમાં અસમંજસ રહેતાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન બનાવ્યું હાલમાં ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન સેકટર-7 શોપિંગની બાજુમાં કોમ્યુનિટી હૉલ સામે કાર્યરત છે. જ્યારે સેક્ટર-7નું પોલીસ સ્ટેશન સેકટર-6 માં કાર્યરત છે, જેના લીધે અરજદારોને અસમંજસ અનુભવવી પડી રહી છે. એનું મુખ્ય કારણ ભૂતકાળમાં ઇન્ફોસિટી પોલીસનો હદ વિસ્તાર સેકટર-7 પોલીસ મથકની હદમાં આવતો હતો, જે પછી ધીમે ધીમે ન્યૂ ગાંધીનગરનો વિકાસ થતાં વસતિની દૃષ્ટિએ અલગથી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની રચના કરાઇ હતી.
ગુજરાતમાં સ્ટાફ ક્વાર્ટરની સુવિધા સાથેના પ્રથમ 'સ્માર્ટ પોલીસ સ્ટેશન' પૈકીનું એક સુરત જિલ્લાનું કડોદરા પોલીસ સ્ટેશન છે. વર્ષ 2016માં જ્યારે કડોદરા પોલીસ સ્ટેશનને 'સ્માર્ટ પોલીસ સ્ટેશન' તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે એમાં સુવિધાઓ, જેમ કે વાઇ-ફાઇ, CCTV સર્વેલન્સ, વેઇટિંગ લોન્જ, કોમ્પ્યુટરાઇઝ્ડ ઑપરેશન્સ ઉપરાંત પોલીસ સ્ટાફ માટે રહેઠાણ સહિતની સુવિધાઓ પણ સામેલ હતી. એને ગુજરાતના પ્રથમ સ્માર્ટ પોલીસ સ્ટેશન પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હાઇરાઇઝ બિલ્ડિંગમાં જ પોલીસ સ્ટેશનની ઉપર 2BHK ફ્લેટ ટાઇપના આવાસો સાથેનું ગાંધીનગરનું ઇન્ફોસિટી પોલીસ મથક રાજ્યનું પહેલું અલાયદું બિલ્ડિંગ હશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ