
વલસાડ, 03 એપ્રિલ (હિ.સ.): વલસાડ જિલ્લાના પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ તાજેતરમાં આંતરિક બદલીના આદેશો જાહેર કર્યા છે. આ ફેરફારો અંતર્ગત ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એસ.પી. ગોહિલને હવે વાપી GIDC પોલીસ મથકની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ અહીં પીઆઈ તરીકે કાર્યરત અમીરાજસિંહ રાણાની સુરત ગ્રામ્યમાં બદલી થતા આ સ્થાન ખાલી રહ્યું હતું.
જિલ્લામાં વહીવટી જરૂરિયાતો અને ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ બદલીઓ અમલમાં મૂકવામાં આવી છે. ગોહિલે ડુંગરા વિસ્તારમાં તેમના કાર્યકાળ દરમિયાન શાંતિ જાળવવા અને ગુનાખોરી નિયંત્રણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
તેમની નવી નિમણૂક પહેલા ડુંગરા પોલીસ મથકે ગુરુવારે રાત્રે વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ સાથે સ્થાનિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગોહિલના કામની પ્રશંસા કરી હતી.
વિદાય પ્રસંગે પીઆઈ ગોહિલે સહકાર માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સારું કામ ટીમવર્ક વગર શક્ય નથી. કાર્યક્રમના અંતે સહકર્મીઓ અને આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેમાં પુષ્પવર્ષા અને આતશબાજી પણ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે