
ગીર સોમનાથ, 03 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાએ જગતના તાતની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. વેરાવળ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ગાજવીજ અને તેજ પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે ખેતીપાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસર કેરીના પાક પર આ કુદરતી આફત તૂટી પડતા ખેડૂતો અને ઈજારદારો પાયમાલ થવાની ભીતિ સેવાઈ રહી છે.
વેરાવળ તાલુકાના પંડવા ગામ અને તેની આસપાસના વાડી વિસ્તારોમાંથી નુકસાનીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. પંડવા ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર, વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, જેનાથી સીઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
આ વર્ષે આંબા પર સારો મ્હોર અને નાની કેરીઓ (ખાખડી) જોઈને ખેડૂતો તેમજ બગીચા રાખનારા ઈજારદારો સારા નફાની આશા રાખી રહ્યા હતા. પરંતુ, ગત રાત્રિના કમોસમી માવઠાએ તમામ ગણતરીઓ ઊંધી પાડી દીધી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, હજુ કેરી નાની અવસ્થામાં (ખાખડી) હતી ત્યારે જ પવન અને વરસાદના કારણે તે મોટા પ્રમાણમાં ખરી પડી છે.
વરસાદી પાણી પડવાથી અને ભેજવાળા વાતાવરણને કારણે બાકી રહેલી કેરીઓમાં પણ રોગચાળો આવવાની અથવા ડાઘ પડવાની શક્યતા વધી ગઈ છે.
સ્થાનિક ખેડૂતો અને ઈજારદારોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે લાખો રૂપિયાના ખર્ચે બગીચા રાખ્યા હોય છે અને આખું વર્ષ મહેનત કરીએ છીએ. ગઈકાલે જે રીતે કડાકા-ભડાકા અને ભારે પવન ફૂંકાયો, તેનાથી આંબાના ઝાડ હચમચી ગયા અને તૈયાર થવા આવેલી ખાખડીઓ જમીનદોસ્ત થઈ ગઈ. હવે આ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી તે મોટો પ્રશ્ન છે.
વેરાવળ પંથકમાં માત્ર કેરી જ નહીં, પરંતુ ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાકો જેવા કે બાજરી અને મગફળીને પણ આ વરસાદી માહોલની માઠી અસર થવાની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ