
ઇસ્લામાબાદ, 27 ઓક્ટોબર (હિ.સ.) : પાકિસ્તાની સુરક્ષા દળોએ 24 અને 25 ઓક્ટોબરના રોજ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અફઘાનિસ્તાનથી આતંકવાદી ઘૂસણખોરીના બે પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન અને કુર્રમ જિલ્લામાં અલગ અલગ કાર્યવાહીમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે જોડાયેલા ચાર આત્મઘાતી બોમ્બર સહિત પચીસ લડવૈયાઓ માર્યા ગયા. આ કાર્યવાહીમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા, એમ સેનાની મીડિયા શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ રવિવારે જણાવ્યું હતું.
ડોન અખબારના અહેવાલ મુજબ, ISPR એ જણાવ્યું હતું કે આ કાર્યવાહી પૂર્ણ થયા પછી, સુરક્ષા દળોએ શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. 24 અને 25 ઓક્ટોબરના રોજ, સુરક્ષા દળોએ કુર્રમ જિલ્લામાં ગાકી અને ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં સ્પિનવામ નજીક અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બે મોટા જૂથોની હિલચાલ શોધી કાઢી હતી. સ્પિનવામમાં સુરક્ષા દળોએ ચાર આત્મઘાતી બોમ્બર સહિત 15 લડવૈયાઓને ઠાર કર્યા. ગાકીમાં પણ દસ લડવૈયાઓ માર્યા ગયા.
ISPRના નિવેદન મુજબ, પાંચ સૈનિકો - હવાલદાર મંજૂર હુસૈન (35), સિપાહી નૌમાન ઇલ્યાસ કિયાની (23), સિપાહી મોહમ્મદ આદિલ (24), સિપાહી શાહજહાં (25) અને સિપાહી અલી અસગર (25) - એન્કાઉન્ટરમાં માર્યા ગયા. રાષ્ટ્રપતિ આસિફ ઝરદારીએ આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવામાં સુરક્ષા દળોની બહાદુરીની પ્રશંસા કરી. રાજ્ય પ્રસારણકર્તા રેડિયો પાકિસ્તાન અનુસાર, વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ પાંચ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ