


અમદાવાદ, 28 ઓક્ટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થઈ સૌને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભવ્ય-દિવ્ય રામ મંદિરના નિર્માણ બાદ દિવાળીનો આનંદ અને રોનક અનેકગણી વધી ગઈ છે. વડાપ્રધાનએ “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો મંત્ર આપ્યો છે, જે આપણા તહેવારોને પણ સાકાર કરે છે.
મુખ્યમંત્રીએ છઠ પૂજાના આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દીપાવલીના તહેવારો પૂરા થયા બાદ લોકો લાભપાંચમથી કામકાજ શરૂ કરે છે ત્યારે બિહાર, ઝારખંડ અને પૂર્વાચલમાં સૂર્ય ઉપાસનાના છઠ મહાપર્વની શરૂઆત થાય છે.
તેમણે કહ્યું કે, બિહારમાં છઠ મહાપર્વની સાથે સાથે લોકતંત્રના મહાપર્વની ઉજવણીનો ઉત્સાહ છે. છઠ પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પ્રયાસરત છે. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે, પરંતુ છઠ પૂજા એકમાત્ર મહાપર્વ છે, જેમાં આથમતા સૂરજની પૂજા કરવામાં આવે છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત અને બિહારનો સબંધ આદિકાળથી ખાસ રહ્યો છે. બિહાર બુદ્ધની ભૂમિ છે, તો ગુજરાતમાં બૌદ્ધની વિરાસતનું જતન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ વડનગર પણ એક સમયે બૌદ્ધ શિક્ષાનું બહું મોટું કેન્દ્ર હતું. નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વડનગરમાં બૌદ્ધ મ્યુઝીયમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીજીએ આઝાદીનું પહેલું આંદોલન બિહારના ચંપારણથી શરૂ કર્યું હતું, અને ગુજરાતના દાંડીથી મીઠાના સત્યાગ્રહથી બ્રિટિશ સલ્તનત સામે અહિંસક આંદોલનની શરૂઆત કરી હતી. ગુજરાતને બિહારી સહિત અનેક લોકોએ પોતાની કર્મભૂમિ બનાવી છે.
તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનએ આપેલા સંકલ્પને પાર પાડવા સૌ દેશવાસીઓ સાથે મળીને એક બનીને આગળ વધવા અનુરોધ કરી છઠ મહાપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશી અપનાવીએ અને સ્વદેશી ખરીદીને પ્રોત્સાહન આપીએ.
આ છઠ પૂજાનું આયોજન છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ, હિન્દી ભાષી મહાસંઘ અને મા જાનકી સેવા સમિતિના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં વસતા બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ વિસ્તાર સહિતના પરિવારો આ છઠ પૂજા ઉત્સવમાં હર્ષ અને ઉલ્લાસથી જોડાયા હતા.
છઠ મહાપર્વ આયોજન સમિતિના અધ્યક્ષ ડૉ. મહાદેવ ઝાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને છઠ પૂજા ઉત્સવની મહત્ત્વતા વર્ણવતા જણાવ્યું કે, વડાપ્રધાનના પ્રયાસોથી છઠ મહાપર્વ હવે બિહાર પૂરતુ સીમિત નથી રહ્યું, આજે આ મહાપર્વ સમગ્ર દેશનું મહાપર્વ બન્યું છે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી દર્શનાવાઘેલા, ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગઈ દાણી, અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર, પૂર્વ મંત્રી આઈ. કે. જાડેજા, ગોરધન ઝડફીયા, પ્રદીપ પરમાર અને બિહાર સહિતના રાજ્યોના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ