BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળકોએ સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે સર્જ્યો અનોખો ઈતિહાસ
- 15666 બાળકો અને બાલિકાઓએ સર્જ્યો ઇતિહાસ અમદાવાદ, 28 ઓક્ટોબર (હિ.સ.) આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક ‌વારસા સામે દૃષ્ટિ કરીએ‌‌ તો જણાય છે કે ઋષિ-મ
BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળકો


BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળકો


BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળકો


- 15666 બાળકો અને બાલિકાઓએ સર્જ્યો ઇતિહાસ

અમદાવાદ, 28 ઓક્ટોબર (હિ.સ.) આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક ‌વારસા સામે દૃષ્ટિ કરીએ‌‌ તો જણાય છે કે ઋષિ-મુનિઓના આશ્રમમાં બાળપણથી જ બાળકોને મુખપાઠ દ્વારા સંસ્કારિત કરવામાં આવતા કે જેના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્ય કંડારવાનો એક મજબૂત આધાર તૈયાર થતો હતો. તેમાંથી જ ભારતને મહાન રાજાઓ, વિદ્વાનો, પંડિતો, વૈજ્ઞાનિકો અને ઋષિમુનિઓ મળ્યા છે. આજે ટેકનોલોજીના અસંયમિત ઉપયોગથી સુ-સંસ્કારોને ભૂલતા આ યુગમાં, મુખપાઠની પરંપરાથી આજના બાળકો ગભરાઈને દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ આપણી સનાતન વૈદિક પરંપરાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય મહંત સ્વામી મહારાજે ફરીથી જીવંત કરી બતાવી છે. ગત વર્ષે દિવાળીના દિવસો દરમિયાન તેઓએ એક સંકલ્પ જાહેર કર્યો હતો કે, ‘આવતી દિવાળી સુધીમાં બી.એ.પી.એસ. સંસ્થાની બાળસંસ્કાર પ્રવૃત્તિનાં 10000 થી વધુ બાળ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે.’ આ સંકલ્પ, તેઓએ એક પત્રના માધ્યમ દ્વારા તેઓએ વ્યક્ત કર્યો હતો.

સત્સંગદીક્ષા એક એવો અભિનવ સંસ્કૃત-ગુજરાતી ગ્રંથ છે, જે મહાન સંતવિભૂતિ મહંત સ્વામી મહારાજે સનાતન શાસ્ત્રોના સારરૂપે ૩૧૫ શ્લોકોમાં પ્રસ્તુત કર્યો છે. સદાચાર, વ્યસનમુક્તિ, પ્રામાણિકતા અને ચારિત્ર્ય વગેરે નૈતિક મૂલ્યો, ભક્તિ-સત્સંગ-સદ્વાંચન વગેરે આધ્યાત્મિક મૂલ્યો, ભેદભાવ વિના સર્વજન સમ-આદર, સર્વધર્મ સમ-આદર, રાષ્ટ્રીય ભાવના વગેરે વિવિધ પ્રેરણાઓ આ ગ્રંથ દ્વારા તેઓએ જન સામાન્યમાં સિંચવાનો પુરુષાર્થ કર્યો છે. લાખો લોકો પોતાના નિત્ય પ્રાતઃક્રમમાં આ સત્સંગદીક્ષા ગ્રંથનો પાઠ કરે છે. મહંત સ્વામી મહારાજના સંકલ્પે ૧૫,૦૦૦ કરતાં વધારે બાળકોએ આ ગ્રંથનો સંસ્કૃતમાં મુખપાઠ પૂર્ણ કર્યો છે અને વધુ 25000 જેટલાં બાળ-બાલિકાઓ આ મુખપાઠના મહાન યજ્ઞમાં જોડાયા છે.

મહંતસ્વામી મહારાજના એ સંકલ્પ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા ગત વર્ષથી 8500 થી અધિક બાળ બાલિકા સેન્ટરના 17500 થી અધિક બાળ બાલિકા પ્રવૃત્તિ કાર્યકર્તાઓએ વૈદિક અને શાશ્વત પરંપરાનું પુનરાવર્તન કરવાનું મુખપાઠનું અભિયાન શરુ કર્યું. આજે 1 વર્ષ બાદ કુલ 15666 બાળ-બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિલ્હીના ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિએ મહંત સ્વામી મહારાજને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સંભવતઃ આ એક વિશ્વવિક્રમ છે કે જેમાં 3 વર્ષથી લઈને 13 વર્ષ સુધીના 15000 થી વધુ બાળકોએ સમગ્ર સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ એક વર્ષમાં પૂર્ણ કર્યો છે.

આ અભિયાનમાં સંસ્થાના સંતો અને કાર્યકરોની ટીમ દ્વારા વાલીઓ અને બાળકો માટે પ્રેરણા સભાઓ યોજવામાં આવી હતી. વિવિધ સેન્ટરોમાં ઉદ્દઘોષ સભાઓ દ્વારા સત્સંગદીક્ષા ગ્રંથને લગતું તમામ સાહિત્ય વિવિધ માધ્યમો દ્વારા બાળકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. આ આયોજનમાં નિઃસ્વાર્થભાવે જોડાયેલા સ્વયંસેવકોને બાળકોને મુખપાઠ કઈ રીતે કરાવવો, રીવીઝન ક્યારે, કેટલું અને કેવી રીતે લેવું તેની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. તે માટે ઓનલાઈન મિટિંગો અને ટ્રેનિંગ કલાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મુખપાઠ યજ્ઞમાં ૩ વર્ષથી 13 વર્ષ સુધીનાં બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. આ બાળકો અને બાલિકાઓને મુખપાઠ કરાવવામાં તેઓના વાલીઓની પણ ખૂબ મહેનત જોવા મળી હતી. ઘણા‌ બાળકો ખૂબ જ નાના હતા કે જેઓ હજુ લખી કે વાંચી શકતા નથી છતાં પણ તેમણે પોતાની માતાના સહયોગથી માત્ર સાંભળીને શ્લોક યાદ રાખી પોતાની કાલી ઘેલી ભાષામાં મુખપાઠ પૂર્ણ કર્યો હતો. વાલીઓ બાળકોના અભ્યાસની સાથે સમયની અનુકુળતા કરી, બાળકોને મુખપાઠ કરાવતા. આ સમગ્ર મુખપાઠ દરમિયાન વાલીઓને બાળકોમાં રહેલ પ્રતિભાનો પરિચય થયો હતો. વાલીઓએ એ પણ અનુભવ્યું હતું કે, મુખપાઠ કરવાથી બાળકોના અભ્યાસમાં પણ પ્રગતિ જોવા મળી હતી. મુખપાઠ દરમિયાન ઘણા બાળકોએ શારીરિક તકલીફોની વચ્ચે, સારા-નરસા પ્રસંગોની વચ્ચે પણ દ્રઢતાપૂર્વક, ગુરુને રાજી કરવાની ભાવનાથી મુખપાઠ પૂર્ણ કર્યો હતો. બાળકોની આવી ધગશ અને મહેનત જોઈ, કાર્યકરો અને વાલીઓએ પોતાની હથેળી અને સુશોભિત વસ્ત્રો પર બાળકોના પગલા પડાવી અભિવાદિત કર્યા હતા. બાળકોને મુખપાઠ પૂર્ણ થયા બાદ વિવિધ ઈનામો પણ અપાયાં હતાં.

મહંતસ્વામી મહારાજે આશીર્વાદમાં કહેલું હતું કે, ‘મુખપાઠથી સત્સંગ અને અભ્યાસ બન્નેમાં ખૂબ પ્રગતિ થશે.’ આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે મુખપાઠ દ્વારા અને તેમાં પણ સંસ્કૃત ભાષાના મુખપાઠ દ્વારા યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતામાં ખૂબ વધારો થાય છે. આ મુખપાઠ અભિયાનમાં જોડાયેલ બાળકો અને બાલિકાઓના વાલીઓને મુખપાઠ દરમિયાન તેમના બાળકોમાં રહેલી ક્ષમતા વિવિધ પ્રસંગોએ પ્રત્યક્ષ રૂપે જોવા મળી હતી. મોટા ભાગના બાળકોએ મુખપાઠ એવી રીતે કર્યો છે કે તેઓ ફક્ત નંબર પરથી શ્લોકો મોઢે બોલી શકે છે, શ્લોકોના અર્થ પણ બોલી શકે છે, અને વિષય મુજબ શ્લોકોનું વર્ગીકરણ પણ કરી શકે છે.

આ મુખપાઠ અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ ખાતે તારીખ ૨૮ ઓક્ટોબર, મંગળવારના રોજ બી.એ.પી.એસ. બાળપ્રવૃતિ દ્વારા પૂજ્ય સંતોના વિદ્વત્તાસભર માર્ગદર્શન હેઠળ ‘સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન પરંપરાને સજીવન કરનાર કુલ 1500 જેટલા બાળ બાલિકાઓ આ વૈદિક હોમાત્મક યજ્ઞમાં જોડાયાં હતાં.

મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંપૂર્ણ મુખપાઠ કરનાર તમામ 15666 બાળકો અને બાલિકાઓનો અભિવાદન સમારોહ ‘મિશન રાજીપો અભિવાદન મહોત્સવ’ 29 ઓક્ટોબર, બુધવારે સાંજે 6.30 વાગ્યાથી ઓનલાઈન માધ્યમ દ્વારા યોજાશે, જેમાં દરેક બાળ-બાલિકા વિદ્વાન પોતાના ઘરેથી જ એમના માતા-પિતા, સગા-સંબંધી, મિત્રો, શિક્ષકો અને પાડોશીઓ સાથે જોડાશે. આ અભિવાદન સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ તમામ બાળકો પર અંતરના આશિષ વરસાવી, વિશિષ્ટ રીતે અભિવાદન કરશે. આ સમગ્ર મુખપાઠ આયોજનમાં બી.એ.પી.એસ. સંસ્થાના બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયના સંતો, સ્થાનિક બાળ પ્રવૃત્તિ સંભાળતા પૂજ્ય ભગવતસેતુ સ્વામી અને બાળ કાર્યકરોની ટીમે ખૂબ જહેમત ઉઠાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર અઠવાડિયે વિવિધ સેન્ટરોમાં યોજાતી બાળ બાલિકા સભા દ્વારા ભારતીય સંસ્કૃતિમાં રહેલ જીવનમૂલ્યો શીખી રહ્યા છે, જ્યાં સહનશીલતા, નિષ્ઠા, કરુણા, ક્ષમા અને આત્મવિશ્વાસ જેવા ગુણોનું બાળમાનસમાં સિંચન દ્વારા સંસ્કારયુક્ત જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે. બી.એ.પી.એસ.ના બાળકો માત્ર પાઠ્યપુસ્તકોના જ્ઞાન સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ આત્માનુશાસન અને આધ્યાત્મિક અધ્યયન દ્વારા પોતાના અસ્તિત્વને ઉજળું બનાવી રહ્યા છે. આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના સંયમથી બી.એ.પી.એસ. આજે એવા બાળ બાલિકાઓને તૈયાર કરી રહી છે, જેઓ માત્ર સમય સાથે આગળ વધતા નથી પણ પોતે સમયને બદલી શકે એવી ક્ષમતા ધરાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande