
સુરત, 28 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાતમાં વસેલા બિહારી સમાજનો સૌથી મોટો તહેવાર છઠ મહાપર્વ આ વર્ષે પણ ભવ્યતા અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો. અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં હજારો શ્રદ્ધાળુઓ, ખાસ કરીને મહિલાઓ, નદી કાંઠે અને કૃત્રિમ ઘાટ પર ઉભા રહી સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કરતા નજરે પડ્યા હતા. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છઠ પૂજા સ્થળે પહોંચી દીપ પ્રજ્વલિત કર્યો અને છઠી માઇયાની આરતીમાં ભાગ લીધો. તેમણે જણાવ્યું — “ભારત ઉત્સવપ્રિય દેશ છે અને છઠ પૂજા એ એવો અનોખો તહેવાર છે જેમાં અસ્ત સૂર્યની પણ આરાધના કરવામાં આવે છે.”
શહેરમાં નગરનિગમ દ્વારા ગોદરેજ ગાર્ડન સિટી પાસે વિશેષ ઘાટ તૈયાર કરાયો હતો જેથી લોકોને સાબરમતી નદીના ઇંદિરા બ્રિજ સુધી જવું ન પડે. જગતપુર, ટ્રાગડ રોડ, ચાંદખેડા, ડીકે બિન, રામોલ અને જામફળવાડી વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા.
વરસાદે કર્યા વિઘ્ન, છતાં ભક્તિમાં ન આવ્યો ઘટાડો
આ વર્ષે વરસાદને કારણે કેટલાંક સ્થળોએ અવ્યવસ્થા સર્જાઈ અને શ્રદ્ધાળુઓને થોડી અડચણો આવી, પરંતુ લોકોનો ઉત્સાહ અને શ્રદ્ધા અખંડ રહી. સુરતમાં તાપી નદી કિનારાના અનેક ઘાટ પર પાણી વધતાં કેટલાક કાર્યક્રમો રદ કરાયા હતા, તેમ છતાં અનેક વ્રતધારણારાઓએ વરસાદ વચ્ચે જ પૂજા કરી.
ઇંદિરા બ્રિજ ઘાટ પર 60 હજાર શ્રદ્ધાળુઓએ કરી પૂજા
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઇંદિરા બ્રિજ ઘાટ પર આશરે 60 હજાર લોકો પહોંચ્યા. સરદારનગર નંદીગ્રામમાં 30 હજાર, કુબેરનગરમાં 20 હજાર, બાપુનગરમાં 10 હજાર, જ્યારે ચાંદખેડા, જગતપુર અને ડીકે બિન વિસ્તારોમાં 5-5 હજાર લોકો એકત્ર થયા હતા. એએમસી દ્વારા સ્ટેજ, ડેકોરેશન, સફાઈ, પીવાનું પાણી અને મોબાઈલ ટોયલેટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સુરતમાં સી.આર. પાટિલ અને વડોદરામાં લાખો શ્રદ્ધાળુઓએ લીધો ભાગ
સુરતમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટિલ ડિંડોલી છઠ સરોવર ઘાટ પર મહાપૂજામાં હાજર રહ્યા. તેમની સાથે લિંબાયતની ધારાસભ્ય સંગીતા પાટિલ અને પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા. અંદાજે 10 લાખથી વધુ લોકો સુરત શહેરના વિવિધ સ્થળોએ છઠ પૂજામાં જોડાયા હતા. મોટાભાગે મહિલાઓ તાપી નદીના પાણીમાં ઉભી રહી સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કરતી જોવા મળી. વડોદરામાં આશરે 1.5 લાખ હિન્દી ભાષી શ્રદ્ધાળુઓએ છઠી માઇયાની પૂજા કરી હતી. અહીં મહી નદી કિનારે, બાપોદ તળાવ અને કપૂરાઈ ઘાટ પર પૂજાના કાર્યક્રમો યોજાયા હતા.
ફળ, નાળિયેર અને અગરબત્તી સાથે સૂર્ય દેવને અર્ઘ્ય
છઠ પૂજામાં શ્રદ્ધાળુઓએ પાણીમાં ઉભા રહી નાળિયેર, દીવો અને અગરબત્તી સાથે અસ્ત સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. આ તહેવાર અસ્ત સૂર્યની પૂજાથી શરૂ થાય છે અને ઉગતા સૂર્યની આરાધનાથી પૂર્ણ થાય છે.
રાજકોટમાં પોલીસ કમિશ્નરે પરિવાર સાથે પૂજા કરી
રાજકોટના આજી ડેમ પર પણ છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ પાણીમાં ઉભા રહી સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે