
ગીર સોમનાથ, 10 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો શુભારંભ થયો છે.
સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથના તાલાલામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં, સૂત્રાપાડામાં પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડની ઉપસ્થિતિમાં અને કોડીનારમાં અગ્રણી શિવા સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ખરીદી કેન્દ્રો પર જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં ટેકાના ભાવે ખરીદીને લક્ષમાં રાખી ખેડૂતો માટે સુનિયોજીત રીતે વ્યવસ્થા જળવાય અને ખરીદી વ્યવસ્થાના નિરીક્ષણ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ બનાવવામાં આવી છે.
મગફળીના આશરે રૂ. ૫,૦૦૦ પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂ. ૭,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જેના પરિણામે પોતાની જણસીના બજાર ભાવ કરતા આશરે રૂ. ૨,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળતા ખેડૂતો પણ ઉત્સાહભેર ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ