


મહેસાણા, 3 નવેમ્બર (હિ.સ.) : ઉત્તર ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ બાદ ડુંગળીના પાકમાં ‘બાફિયો’ રોગ ફેલાવાનો ખતરો વધ્યો છે. મહેસાણા જિલ્લાના ખેરવા, બ્રાહ્મણવાડા અને વીરતા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ગણપતિ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. રમેશભાઈ પટેલ જણાવે છે કે હાલનું ભેજવાળું વાતાવરણ ડુંગળીના બાફિયા રોગ માટે અનુકૂળ છે. પાણી ભરાવાથી ડુંગળીના થડમાં કોહવાટ થઈ છોડ ઢળી પડે છે.
ડૉ. પટેલ સલાહ આપે છે કે ખેડૂતોએ સૌપ્રથમ ખેતરમાં ભરાયેલું પાણી તાત્કાલિક કાઢી દેવું જોઈએ અને આંતર ખેડ કરી માટી હલકી કરવી જોઈએ જેથી છોડને હવા અને પ્રકાશ મળે. જો રોગનું પ્રમાણ વધે તો કોપર ઓક્ઝીક્લોરાઇડ, મેંગોઝેબ અથવા ક્લોરોથેનોલેન જેવી ફૂગનાશક દવાઓનો છંટકાવ 30 ગ્રામ દવા પ્રતિ 15 લિટર પાણી પ્રમાણે કરવો. તેમણે જણાવ્યું કે દવાનો છંટકાવ સવારે કે સાંજે કરવાથી વધુ અસરકારક રહે છે. સમયસર પગલાં લેવાય તો બાફિયો રોગ નિયંત્રિત કરી પાક બચાવી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR