
જામનગર, 20 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે પ્રસિદ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદાર યાદી અન્વયે તથા SIR આગામી કામગીરી બાબતે માહીતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તા. ૨૭/૧૦/૨૦૨૫ની સ્થિતિએ જિલ્લામાં કુલ ૧૨,૪૧,૦૯૭ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી આજરોજ તારીખ ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલમાં કુલ ૧૦,૬૩,૬૨૦ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયા દરમિયાન ચકાસણી કરતા કુલ ૧,૭૭,૪૭૭ મતદારોને ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે અવસાન પામેલા : ૪૩,૧૧૨, સ્થળાંતરિત : ૮૯,૦૨૯, ગેરહાજર/મળી ન આવતા : ૩૫,૪૫૦, ડુપ્લીકેટ નોંધણી ધરાવતા : ૬૪૩૭ તથા અન્ય ૩,૪૪૯ મતદારોનો સમાવેશ થાય છે.
વધુમાં કલેકટરે જણાવ્યું કે, મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરાયેલ સમયપત્રક મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં હક્ક-દાવા અને વાંધા અરજી સ્વીકારવાનો સમયગાળો: તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬. નોટીસ તબક્કો નિકાલની પ્રક્રિયા: તા. ૧૯/૧૨/૨૦૨૫ થી તા. ૧૦/૦૨/૨૦૨૬ દરમિયાન EROs,AEROs & Ass.AEROs દ્વારા હક્ક-દાવાઓનો નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, જે યુવા મતદારોની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થઈ હોય તેઓ ફોર્મ નં. ૦૬ ભરીને નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે. તેમજ નામ કે વિગતોમાં સુધારા માટે ફોર્મ નં. ૦૮ ભરી શકાશે. આ કામગીરીમાં સહકાર આપવા માટે તેમણે તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને અનુરોધ કર્યો છે.
વધુમાં, NO-Mapping થયેલા ૧,૨૯,૧૨૮ મતદારો અને લોજિકલ ડિસ્ક્રીપન્સીસ ધરાવતા મતદારોને નોટિસ પાઠવી, પુરાવાઓની ચકાસણી બાદ ERO અને AERO દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt