
પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અને ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર બી.એમ. પટેલની સૂચનાએ સિદ્ધપુર શહેરમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું. નગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી કરી અને કચરો નિકાલ કર્યો.
આ અભિયાનના યોગ્ય આયોજન માટે નગરપાલિકાના મુખ્ય અધિકારી કૃપેશ કુમાર જે. પટેલ, પ્રમુખ અનિતાબેન એમ. પટેલ, કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. શહેરના ભૌગોલિક વિસ્તારો અનુસાર સફાઈની જરૂરિયાતો પર ચર્ચા કરીને કાર્યયોજનાની રચના કરવામાં આવી. યોજનાના અમલ માટે સેનિટેશન સ્ટાફની વિવિધ ટીમો બનાવી, મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, બજાર અને જાહેર સ્થળો પર વ્યાપક સફાઈ શરૂ કરી. નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે અને નાગરિકોને કચરો નિર્ધારિત સ્થળે જ નાખવા માટે અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ