જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વેર્સ્ટન ડીસ્ટબન્સને કારણે આવતીકાલથી બે દિવસ સુધી ઠંડીનો ચમકારો વધશે
જામનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) જામનગર સહિત સમગ્ર હાલારમાં ઠંડીમાં થોડી રાહત થયા બાદ હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે, વેર્સ્ટન ડીસ્ટબન્સને કારણે આવતીકાલથી બે દિવસ સુધી ઠંડીનો ચમકારો વધશે, એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં વાદળો છવાશે અને કયાંક હળવા છાં
તાપમાન


જામનગર, 22 ડિસેમ્બર (હિ.સ.) જામનગર સહિત સમગ્ર હાલારમાં ઠંડીમાં થોડી રાહત થયા બાદ હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે, વેર્સ્ટન ડીસ્ટબન્સને કારણે આવતીકાલથી બે દિવસ સુધી ઠંડીનો ચમકારો વધશે, એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં વાદળો છવાશે અને કયાંક હળવા છાંટા પડે તેવી પણ શકયતા છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૩૦.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 5 થી 10 કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.

ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે, જો ઠંડી પડે તો જીરૂ, બાજરી, ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે, જો કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ વઘ્યું છે. ગઇકાલે આછેરી ઝાકળ પણ જોવા મળી હતી, ખેડુતો હવે ખેતીના કામમાં લાગી ગયા છે.

જમ્મુ-કાશ્મીરમાં પણ તાપમાન 0 થી નીચે ચાલ્યું ગયું છે તેવી રીતે આબુમાં પણ માઇનસ ડીગ્રી તાપમાન ચાલે છે ત્યારે દિવસો ગુજરાત માટે મહત્વના બની રહેશે. લાંબા સમયથી મિશ્ર ઋતુ ચાલી રહી હોય વાયરસ ચેપ વઘ્યો છે, જેને કારણે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં કેસોનું પ્રમાણ વઘ્યું છે. ખાસ કરીને કમળાના રોગમાં વધારો થયો છે, શરદી, ઉધરસના કેસો તો અસંખ્ય જોવા મળ્યા છે, ગામડાઓમાં પણ પીએચસી અને સીએચસી કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande